સરકારે લોકોને ભલામણ કરી છે કે કોરોનાનો વાવર ચાલે છે ત્યાં લગી ઓફિસે જવાને બદલે પોતપોતાના ઘરેથી કામ કરો….
અમુક લોકો ખરેખર સરકારી સલાહને સિરિયસલી લઈ રહ્યા છે !
***
અમારા હેર-કટિંગ સલૂનવાળા ભાઈએ કહેવડાવ્યું છે કે તમે તમારા વાળ મોકલી આપજો, કાપીને પાછા મોકલી આપીશ !
***
અમારા એરિયાનો એક રીક્ષાવાળો ઘરે જ હોય છે. આજકાલ તે એક રૂમમાંથી બીજા રૂમમાં જવા માટે એ પગ વડે સાઈડ બતાડે છે !
***
સોસાયટીનાં છોકરાંને નિશાળ પહોંચાડતા સ્કુલ-વાનવાળા ભાઈ કહે છે... તમારાં બાળકોને મારા ઘરે મોકલી આપો. હું એમને વાનમાં બેસાડીને રોજની જેમ ગાયનોની કેસેટ સંભળાવી દઈશ !
***
અમારી મ્યુનિસિપાલીટીના સફાઈ કર્મચારી તો એનાથી યે સ્માર્ટ છે. કહે છે કે કચરાનો ઢગલો જ્યાં હોય ત્યાંથી એનો ફોટો સેન્ડ કરી દો, અમે ફોટો-શોપ વડે સફાઈ કરીને નવો ફોટો તમને ઘેરબેઠાં પહોંચાડી દઈશું !
***
લગ્નો કરાવતા ગોર મહારાજે સૌને મેસેજો મોકલ્યા છે :
લગ્નો કેન્સલ ના કરશો. ઓનલાઈન લાઈવ વિડીયો કોન્ફરન્સ વડે મેરેજ કરાવી આપવામાં આવશે. દક્ષિણા પેટીએમ દ્વારા સ્વીકાર્ય છે.
***
અભી અભી એક અંડરવર્લ્ડ કે ડોન કા ફોન આયા થા :
“બોલે તો, કિસી કા ભી મર્ડર કરાને કા હોવે તો અપુન ઘર બૈઠે સુપારી લે રૈલા હૈ. તુમ મની-ટ્રાન્સફર કરો, હમ ઈધર સે ઉસ કે ઘર મેં ડ્રોન વિમાન ભેજેગા ઔર ઉસ કે મુંહ પે કોરોના વાયરસ છિડક દેંગા ! 14 દિન મેં લાશ ઘર બૈઠે મિલ જાવેંગી !”
***
સરકારી કર્મચારી સાહેબે શ્રેષ્ઠ રીતે અજમાવી છે…
ઘરમાં ટેબલ-ખુરશી ગોઠવ્યાં છે. ફાઈલો મુકી છે. બાજુમાં પેન અને ચશ્મા મુક્યાં છે. ખુરશી ઉપર કોટ લટકાવી દીધો છે… અને પોતે બહાર લટાર મારવા જતા રહ્યા છે !
- લોકોને લાગે કે સાહેબ આવ્યા તો છે, બસ, આટલામાં જ ક્યાંક ગયા છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment