પૂનાની ફિલ્મ ઇન્સ્ટીટ્યૂટમાંથી ભણીને જે એકટરે પહેલી જ ફિલ્મમાં નેશનલ એવોર્ડ જીત્યો હોય, એ એકટર હિન્દી ફિલ્મોનો ટોટલ ‘ચલતા પૂરજા’ હિરો બની જાય એવી કોઈ કલ્પના પણ કરી શકે ?
મૃગયા (1979)માં જ મિથુને સાબિત કરી દીધું હતું કે એ જબરદસ્ત એકટર છે. પરંતુ મિથુનની સિકસ્થ સેન્સ કહો, કે બિઝનેસ સેન્સ કહો, એને એ વખતે કદાચ સમજાઈ ગયું હતું કે આ કહેવાતું ‘પેરેલલ સિનેમા’ માત્ર દંભી દિગ્દર્શકો અને ચોખલિયા એકટરોનો અખાડો બની જશે. કદાચ ફિલ્મોમાં આવતાં પહેલાં તેનું જે કોલકતાની નકસલવાદી ગેંગનું બેકગ્રાઉન્ડ હતું, તે વખતે તેને ખોખલા સિદ્ધાંતવાદી માણસોની સાચી ઓળખ થઈ ગઈ હશે. જે હોય તે, પણ ટોટલ ‘ચલતા પુરજા’ ટાઈપની ગણાતી ઇમેજમાં રહેવા છતાં ત્રણ ત્રણ નેશનલ એવોર્ડ જીતનારા એકટરની કેરિયર એક ‘અજીબ દાસ્તાન’ જેવી છે.
મિથુનની કેરિયરના ત્રણ તબક્કા છે : ‘મૃગયા’ પછીની ત્રણ ચાર ફ્લોપ ફિલ્મો પછી બે જ વરસમાં આવેલી ‘સુરક્ષા’
(1979)થી મિથુન ડાન્સર / એકશન હિરો બની ગયો. એ પછીના ગાળામાં મિથુનની જે એક પછી એક હિટ ફિલ્મો આવી તેમાં ‘ડિસ્કો ડાન્સર’ (1982) મેઈન હતી.
એ જમાનામાં અમિતાભ 1973 પછી બોક્સ ઓફિસના બાદશાહ તરીકે છવાઈ ગયો હતો. શશીકપૂર, વિનોદ ખન્ના અને ધર્મેન્દ્ર જેવા ‘એ’ ગ્રેડના હીરોલોગ પબ્લિકની નજરમાં ટકી રહેવા માટે અમિતાભ સાથે ‘નંબર-ટુ’ ભૂમિકા ભજવી લેતા હતા. તે જમાનામાં મિથુનનું પોતાનું એક ઓડિયન્સ હતું. (બચ્ચન સાહેબ સાથે છેક 1990માં ‘અગ્નિપથ’માં પેરેલલ રોલ કર્યો અને વટ કે સાથ બેસ્ટ સપોર્ટિંગ એક્ટર તરીકે નેશનલ એવોર્ડ પણ જીત્યો.)
મિથુનની ‘બી’ ગ્રેડ ફિલ્મો જે ધંધો રળી આપતી હતી તેના લીધે તેનું નામ ‘પુઅર મેન્સ અમિતાભ’ પડી ગયું હતું ! ભાગ્યે જ કોઈ પ્રોડ્યુસરે મિથુનને સાઈન કરીને નુકસાન સહન કર્યું હશે... પરંતુ 1990 પછી મિથુને તદ્દન નવી ગેઈમ ચાલુ કરી. આ તેની કેરિયરનો બીજો તબક્કો હતો.
મિથુને મુંબઈ છોડીને ઉટીમાં પોતાની હોટલ શરૂ કરી. અહીં બેઠાબેઠાં તેણે પ્રોડ્યુસરો માટે આખી નવી ફોર્મ્યુલા ઊભી કરી : તમારા આખા ફિલ્મ-યુનિટ સાથે મારી હોટલમાં ડિસ્કાઉન્ટ ભાવે રહો, અહીં આસપાસના વિસ્તારમાંજ શૂટિંગ કરો અને એક મહિનામાં આખી ફિલ્મ પુરી કરીને નીકળી જાવ !
નાના બજેટના પ્રોડ્યુસરોને આ ‘પેકેજ’ બહુ જ માફક આવી ગયું. મિથુને આ રીતે 1990થી લઈને 2000 સુધીમાં 100 ફિલ્મો બનાવી નાંખી ! જેમાં 1998 અને 1999માં તો મિથુનની દરેક વરસમાં 30-30 ફિલ્મો રિલિઝ થયેલી ! એક સમયે તો એવું બન્યું હતું કે મુંબઈ શહેરમાં મિથુનની એક સાથે તેર તેર ફિલ્મ જુદા જુદા થિયેટરોમાં ચાલતી હતી !
દલાલ, આદમી, તડીપાર, ચિત્તા, નારાઝ, જલ્લાદ, ગુન્હેગાર, ભીષ્મા, અંગારા, જંગ, લોહા, દાદાગિરી, ગુન્ડા... (જેની ફિરકી અમે આ કોલમમાં લીધી હતી.) મિથુનની આવી ફિલ્મો દર ત્રીજા કે ચોથા અથવાડિયે રિલીઝ થતી અને ગરીબ પ્રોડ્યુસર ઇજ્જતથી રૂપિયા કમાઈને ઘરે લઈ જતો. હિન્દી ઇન્ડસ્ટ્રીએ મિથુનની આ સ્ટાઈલનું નામ ‘મિથુન્સ ડ્રિમ ફેકટરી’ પાડ્યું હતું ! અને હા, એ વર્ષો દરમ્યાન સરકારને સૌથી વધુ ટેક્સ ભરનારો એક્ટર પણ મિથુન જ હતો !
એક મંજાયેલો એક્ટર હોવાની છાપ છોડનારી હિન્દી ફિલ્મો તો માંડ ત્રણ જ આવી... અગ્નિપથ, ગુલામી અને મૃગયા. પરંતુ મિથુને બંગાળી ભાષામાં અવારનવાર નેશનલ એવોર્ડ જીતનારા બે દિગ્ગજ ડિરેક્ટરો સાથે શ્રેષ્ઠ કામ કર્યું. બુધ્ધદેવ દાસગુપ્તા સાથે ‘કાલપુરુષ’ અને ‘તહાદેર કથા’ (નેશનલ એવોર્ડ), રિતુપર્ણ ઘોષ સાથે ‘ગુડીયા’ અને ‘તિતલી’ (ક્રિટિક્સ એવોર્ડ). આ મિથુનની કેરિયરનો ત્રીજો તબક્કો ગણવો પડે.
એનો મિમોહ નામનો દિકરો પહેલી જ ફિલ્મ પછી નવરો બેઠો છે. ‘રિટાયર્ડ દિકરા’નો ‘વર્કીંગ ફાધર’ મિથુન હજી ટીવીમાં ડાન્સ-શૉના હોસ્ટ તરીકે અને હિન્દી ફિલ્મોમાં ખાસ પ્રકારના રોલ દ્વારા ‘ફીટ-એન્ડ-ફાઈન’ રહીને નોટો છાપી રહ્યો છે.
ટોટલ 576... જીહા, 576 ફિલ્મોમાં કામ કરવા છતાં આ એક્ટર હજી પ્રોફીટની ગેરંટી છે... કોઈ શક ?
***
- મન્નુ શેખચલ્લી
I thought this article is about Amitabh Bachchan.
ReplyDeleteJust owener of a hotel in footy is different.
Thank you so much for your comments.
Delete