સેન્સેક્સ આટલો બધો બીકણ ?


સવાસો કરોડની વસ્તી ધરાવતા આપણા દેશમાં કોરોના વાયરસથી માત્ર 1 વ્યક્તિનું મોત થયું એમાં તો શેરબજારનો ઈન્ડેક્સ લગભગ 3000 પોઈન્ટ ગબડી ગયો !

***

આંકડાની દૃષ્ટિએ જોઈએ તો હજી કોરોનાનો મૃત્યુદર 0.000000000125 ટકા કહેવાય ! (મીંડાં બરોબર ગણી લેજો !)

શું કોરોના આટલો ખતરનાક છે ? ખોં… ખોં…

***

અરે, 1993માં જ્યારે ખુદ મુંબઈ સ્ટોક એક્સ્ચેન્જમાં બોમ્બ ધડાકા થયા હતા ત્યારે પણ સેન્સેક્સમાં કડાકો નહોતો બોલી ગયો !

શું કોરોના આવડું મોટું આર્થિક સંકટ છે ? ખોં… ખોં….

***

26, 27 અને 28 નવેમ્બર, 2008માં જ્યારે મુંબઈ ઉપર ભયાનક આતંકવાદી હૂમલો થયો હતો અને આખા દેશમાં હાહાકાર મચી ગયો હતો ત્યારે પણ સેન્સેક્સ કંઈ એવો ડર્યો નહોતો !

શું કોરોના વાયરસ આતંકવાદીઓ કરતાં ય ભયાનક છે ? ખોં… ખોં…

***

1999માં કારગિલ સરહદે જ્યારે મે મહિનાથી જુલાઈ મહિના સુધી 56 દિવસ લાંબુ યુધ્ધ ચાલ્યું ત્યારે પણ સેન્સેક્સ ડરપોક બનીને બંકરમાં નહોતો ઘૂસી ગયો !

તો શું કોરોના વાયરસ સામેનું યુધ્ધ એના કરતાંય વધારે ખુવારીભર્યું છે ? ખોં… ખોં… ખોં…

***

ગઈકાલે તૂટેલા સેન્સેક્સની ઝપેટમાં, કહે છે કે, 52 ગુજરાતની કંપનીઓ પણ આવી ગઈ છે. તો જરા કહેશો, 2002માં છ મહિના લગી ચાલેલાં રમખાણોમાં કોઈ ગુજરાતની કંપનીના શેરો પસ્તીના ભાવે વેચાયા હતા ખરા ?

મતલબ કે, કોરોનાથી માત્ર એક મોત થાય એ… ખોં… ખોં… ખોં… રમખાણનાં 1000 મોત કરતાંય વધારે ખરાબ છે ? ખોં… ખોં…

***

જુઓ, અમને ખોં… ખોં… ખોં… ક્યારની ખાંસી આવી રહી છે !

તમને શું લાગે છે, અમારી આ એક જણાની ખાંસીને લીધે ગુજરાતના તમામ અખબારોએ ડરીને ગભરાઈને પોતાનાં શટર પાડી દેવાં જોઈએ ?

***

- મન્નુ શેખચલ્લી

Comments