સોનિયા ભક્તિ અઘરી છે !


જ્યોતિરાદિત્ય સિંધિયા ભાજપમાં જોડાઈ ગયા પછી સોનિયા-ભક્તો ખરેખર મુંઝાઈ ગયા છે.

હકીકતમાં તો જે લોકો ‘મોદી-ભક્તો’ની મજાક ઉડાવતા હતા (અથવા હજી ઉડાવે છે) તેમને ખબર જ નથી કે ‘મોદી-ભક્ત’ બનવા કરતાં ‘સોનિયા-ભક્ત’ બનવું કેટલું અઘરું છે…

***

ભક્તિ-ચિન્હો

મોદી ભક્તોએ બાહ્ય દેખાવના ચિન્હો અપનાવવાં હોય તો તે સહેલું છે !

પાકિટમાં  મોદીજીનો ફોટો રાખો, DPમાં મોદીજીનો પોઝ મુકો, સ્ટેટસમાં મોદીજીનું કોઈ સુવાક્ય (કે જુમલો) લખો, રેલી-સરઘસમાં મોદીજીનું માસ્ક પહેરો… કેટલા બધા ઓપ્શન છે !

જ્યારે સોનિયા ભક્તિમાં ? શું સોનિયાજીનાં માસ્ક પહેરાય ? પાકિટમાં સોનિયાજીનો ફોટો રાખો તો પત્ની શું સમજે ? અને સ્ટેટસમાં… ? સોનિયાજી એકાદ વાક્ય બોલે, તો કંઈ લખો ને ?

***

ભક્તિ-મંત્રો

મોદીભક્તો માટે તો સહેલું છે. ક્યારેક “#મૈં ભી ચોકીદાર…” ક્યારેક “#બેટી બચાઓ…” ક્યારેક “મેરી બેટી કે સાથ મેરી સેલ્ફી”… અને અવારનવાર “મોદીજી કા માસ્ટરસ્ટ્રોક” વગેરે તો ચાલ્યા જ કરે !

સોનિયાજીનાં ભક્તિમંત્રો ક્યા ? દેવીજી પોતે તો કંઈ બોલતાં નથી ! ભૂલેચૂકે કંઈ બોલે તો એના ઉચ્ચાર આપણે સુધારવા પડે ! “મૈં ભી હિન્દુ… મેરી ભી જનોઈ…” એવું પણ ભક્તોથી ના બોલાય ! અરે, શર્ટની ઉપર જનોઈ પહેરીને ફોટા પણ ના પડાવાય ! કરવું શું ?

***

ભોગ, થાળ, ચડાવો

જે જબરા અને વગદાર મોદીભક્તો છે એમના માટે પ્રસાદીનો થાળ ધરાવવો કે છપ્પન ભોગનું દર્શન ગોઠવવું ખાસ મુશ્કેલ નથી.

તમે સાહેબના સૂટની હરાજીમાં કરોડોની બોલી લગાવો, સ્ટેડિયમમાં ભીડ ભેગી કરવા લાખ બે લાખ ખર્ચી નાંખો, રાજકારણી હો તો કોંગ્રેસના બે-ચાર ધારાસભ્યોને તોડી લાવો… ખાસ અઘરું નથી.

પરંતુ સોનિયાજીના ભક્તોને સમજ જ નથી પડતી કે એમને શું ધરાવવું ? કઈ પ્રસાદી ચડાવવી ? અરે, કઈ ‘બાધા’ રાખવી ?

સૌથી મોટી તકલીફ તો એ છે કે સોનિયાજીના મુખ્ય પૂજારી પણ કદી મગનું નામ મરી નથી પાડતા ! બોલો.

***

- મન્નુ શેખચલ્લી

Comments