શિયાળો પતવા આવ્યો... (હાસ્ય કવિતા)


ચાર-ચાર દિવસ સુધી નાહ્યા વિના ચલાવી લેનારા યુવાનો માટે ખુશખબર આવ્યા છે : શિયાળો પતવા આવ્યો છે !

એસી, કુલર અને ફ્રીજ વેચતા શો-રૂમો જેની રાહ જોઈ રહ્યા હતા તે… શિયાળો પતવા આવ્યો છે !

પ્રસ્તુત છે આ શુભ અવસર ઉપર એક લઘુકાવ્ય… (કેમકે કવિની પણ ટાઢ ઉડી ગઈ છે !)

***

ના તો ‘બ્રેકિંગ ન્યુઝ’ થયા

ના તો ‘બડા ખુલાસા’

માત્ર ‘વેધર-રિપોર્ટ’માં

વરતારો આવ્યો,

… શિયાળો પતવા આવ્યો !

***

પારો રહી રહીને હવે

30થી ઉપર આવ્યો

સુરજને પણ રહી રહીને

જરીક તાવ આવ્યો,

… શિયાળો પતવા આવ્યો !

***

સ્વેટર મફલર શાલની

હવે વાળો ગડીઓ

મુકો કબાટમાં સાથે એની

ડામર ગોળીઓ…

ફરી પાછો બર્મુડાઓનો

વારો આવ્યો !

… શિયાળો પતવા આવ્યો !

***

ચ્યવનપ્રાશ ને કૌચાપાકની

મોસમ ઢીલી

મોર્નિંગ-વોક ને જોગિંગ-ટ્રેકો

પડશે ખાલી

તડકો છેક બારીએથી

અંદર આવ્યો !

… શિયાળો પતવા આવ્યો !

***

કરો સ્ટાર્ટ પંખાઓ

એસીની સર્વિસ કરાવો

ફ્રીજમાં આઈસ-ક્યુબનું ખાનું

ફરી ભરાવો

કેટલા મહિને આજે હું

ઠંડે પાણી નાહ્યો !

… શિયાળો પતવા આવ્યો !

***

ઉનાળાના ત્રાસ પહેલાં

લઈ લ્યો લ્હાવો,

... શિયાળો પતવા આવ્યો

છેલ્લો છેલ્લો પીવો હોય તો

પી લ્યો કાવો !

... શિયાળો પતવા આવ્યો !

***

- મન્નુ શેખચલ્લી

Comments