દર વરસે સરકાર બજેટો એવી રીતે પેશ કરે છે કે જાણે કડવી ગોળી જબરદસ્તીથી પીવડાવવાની હોય !
અરે સાહેબો, લોકોના ખિસ્સામાંથી પ્રેમથી રૂપિયા કઢાવવાની બીજી પણ અનેક રીતો છે ! જે રીતે મોદી સાહેબે ગુજરાતની સ્કુલોમાં પ્રવેશોત્સવ શરૂ કર્યા હતા એ જ રીતે ‘ટેક્સોત્સવ’
શા માટે નહિ ? લોકો હોંશે હોંશે ટેક્સ ભરશે ...
ડિસ્કાઉન્ટ ફોર્મ્યુલા
જે રીતે 50 રૂપિયાની વસ્તુનો ભાવ 100 રૂપિયા રાખીને લોકો ‘20% ડિસ્કાઉન્ટ’ આપે છે એ જ રીત અજમાવો ને ? ‘એડવાન્સ ટેક્સ ભરનારને 25 ટકા ડિસ્કાઉન્ટ...’ ‘ટાઈમસર ટેક્સ ભરો અને મેળવો 20 ટકા ટેક્સ-ફ્રી આવક.. ’ ‘2 લાખના ઈન્કમટેક્સ ઉપર લઈ જાવ 20 હજારના ટેક્સ-વાઉચર્સ...’ ‘5 લાખનો ઇન્કમટેક્સ ભરો અને જીતો યુરોપની 7 દિવસની ટુર, 50 ટકા ઓછા ભાવે...’
સાચું કહું છું સાહેબ, સાડીઓના સેલમાં જે રીતે બહેનો તૂટી પડે છે એ રીતે ટેક્સ-પેયરોનો ધસારો મચી જશે !
ડાયરા ફોર્મ્યુલા
માત્ર મંદિરો અને ગૌશાળા માટે જ ડાયરા ગોઠવી શકાય એવું કોણે કહ્યું ? રોડ બાંધવા માટે ફૂટપાથ ઉપર, બ્રિજ બાંધવા માટે નદી કિનારે અને નવી બુલેટ ટ્રેન માટે રોક્કડા રૂપિયાનું ઉઘરાણું કરવા માટે રેલ્વે પ્લેટફોર્મ ઉપર ‘ભવ્ય જાહેર ડાયરા’ કેમ ના ગોઠવી શકાય ?
બસ, સરકારે એક જ વાતની ખાતરી આપવાની કે સ્ટેજ ઉપર ચડીને નોટો ઉડાડનારને કોઈ સવાલો પૂછવામાં આવશે નહીં !
અરે બાપલ્યા, કેશ મળે છે કેશ ! ભેગી કરી લ્યો ને !
તકતી ફોર્મ્યુલા
મંદિરોમાં જે રીતે દાનેશ્વરીઓની તકતી હોય છે એ રીતે તમામ હાઈવે ઉપર (કર)દાતાઓની તકતી મુકવામાં વાંધો શું છે ?
માત્ર હાઈવે જ શું કામ, શહેરોમાં જ્યાં દર દોઢ કિલોમીટરે આલતુ ફાલતુ મહાનુભાવોનાં નામે રોડના નામો રાખ્યા છે એ નામોને ઠેકાણે ‘રોડ-દાતાઓ’નાં નામો લખો ને ? અરે, એમના સંતાનોને એ રોડના મેન્ટેનન્સની જવાબદારી પણ સોંપી દો !
શું કહો છો, ધારાસભ્યો અને કોર્પોરેટરો આપણા જ પૈસે ફાલતુ બાંકડાઓ મુકાવીને પોતાનાં નામોની તકતીઓ ઠોકાવે છે એના કરતાં તો સારી યોજના છે ને ?
ઉછામણી ફોર્મ્યુલા
ધાર્મિક પૂજા-હવન આરતી વગેરે માટે જેમ ઉછામણી કરવામાં આવે છે એ રીતે લોક-ઉપયોગી પ્રોજેક્ટોમાં પણ ઉછામણી કરો ને !
‘બોલો, મેટ્રો-રેલનું શિલારોપણ કરવા માટે કેટલા રૂપિયાની બોલી છે ?’ ‘નવા ફ્લાય-ઓવરના ઉદ્ઘાટનની રિબિન કાપવા માટે કોની કોની ઈચ્છા છે ?’ ‘બોલજો શેઠિયાઓ, નવી સુપર સ્પેશીયાલીટી હોસ્પિટલના ICU વોર્ડમાં દાખલ થઈને કોણ લોકાર્પણ કરાવશે ? મિનિમમ બોલી 1 કરોડથી શરૂ થાય છે...’
કેમ લાગે છે ! મિનિસ્ટરો આવીને મફતમાં રિબિનો કાપી જાય એ તો ના ચાલે ને ?
ડાયરેક્ટ દાનેશ્વરી ફોર્મ્યુલા
આપણે ભરેલા ટેક્સમાંથી જ ડઝનબંધ કલ્યાણકારી યોજનાઓ ચાલે છે ને ? તો યાર, વાયા-વાયા જવાને બદલે ડાયરેક્ટ શોર્ટ-કટ રાખો ને ?
જેમ કે “ફલાણાભાઈ તરફથી ગરીબોને 101 ગેસના બાટલા !” ‘ઢીંકણાભાઈ તરફથી 151 મહિલાઓને સીવવાના સંચા !’ ‘ફલાણીબેનને નામે નોંધી લો આયુષ્યમાન યોજનામાં પાંચ ઘુંટણના રિપ્લેસમેન્ટ!’
જોયું ? ‘ટેક્સ’ જેવી બિહામણી સિસ્ટમને બદલે આ નાના-મોટા તમામ નાગરિકોને ‘દાનેશ્વરી’ બનાવવાની સિસ્ટમ આપણી ‘સંસ્કૃતિ’ને અનુરૂપ નથી લાગતી ? તરત દાન અને મહાપૂણ્ય ! મોદી સાહેબે તો માત્ર ‘ટહેલ’ નાંખવાની જ વાર !
એમાંય વળી જો સાહેબની સ્માઈલ મુજબ ‘વર્લ્ડ રેકોર્ડ’ નોંધાવવાના ટાર્ગેટો રાખીએ તો બોસ, દેશનું અડધો અડધ બજેટ આમ જ ઊભું થઈ જાય ! શું કહો છો ?
લોકભાગીદારી ફોર્મ્યુલા
આ લેટેસ્ટ છે. આ ફોર્મ્યુલા રાજકોટના કલેકટરની છે. આમાં કંપનીઓ પાસેથી 5-10 લાખ ઉઘરાવીને એમાંથી ઈન્કમટેક્સ ઓફિસરોને 50-50 હજારના ચેક...
e-mail : mannu41955@gmail.com
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment