કૈસા ચૂનાવ હૈ દિલ્હી કા ?!


દિલ્હીમાં 8 ફેબ્રુઆરીએ ચૂંટણી છે. અમને આ અનોખી ચૂંટણીની અમુક વાતો સમજાતી જ નથી.

***

પહેલી વાર એવું બન્યું છે કે આ ચૂંટણી કોઈ એક શહેર માટે છે, કોઈ એક રાજ્ય માટે છે કે આખા દેશ માટે છે ? એ જ સમજાતું નથી...

***

પહેલી વાર એવું બન્યું છે કે સળંગ 50-55 દિવસ સુધી એક જ ઠેકાણે ચૂંટણીસભાઓ ભરાતી રહી છે !

એ તો ઠીક, ચૂંટણીસભામાં જે લોકો ઉમટે છે એમના માટે ચા-પાણી ભોજન વગેરેની વ્યવસ્થા પણ થઈ જાય છે ! અલ્યા, આ ચૂંટણી ચાલી રહી છે કે ‘સદાવ્રત’ ? સમજાતું નથી...

***

પહેલી વાર એવું બની રહ્યું છે કે અમુક લોકોને  50 દિવસ પછી યાદ આવે છે કે અરે, ફલાણા રસ્તેથી ફલાણે ઠેકાણે જઈ શકાતું નથી ! રસ્તો તો બ્લોક થઈ ગયો છે !

અમને હજી નથી સમજાતું કે ‘બ્લોક’ થઈ ગયેલો રસ્તો એ શહેરની સમસ્યા છે, રાજ્યની સમસ્યા છે, કે દેશની ?

***

અત્યાર સુધી લોકો બળાત્કારીઓને, ખૂનીઓને,  કૌભાંડીઓને, ટોપીબાજોને વોટ આપીને ચૂંટી કાઢતા હતા.

આ વખતે પહેલી વાર એવું બનશે કે લોકો ‘દેશદ્રોહીઓ’ને પણ વિધાનસભ્યો બનાવી દેશે !

***

પહેલી વાર એવું બન્યું છે કે ચૂંટણી વખતે આટલા બધા નેતાઓને દેશનું ‘બંધારણ’ યાદ આવ્યું છે !

- નેતાઓ અને બંધારણ ? અરેરે, શું થશું આ દેશનું ? સમજાતું નથી...

***

અને પહેલી વાર એવું બન્યું છે કે ‘ભ્રષ્ટાચાર’ તો ચૂંટણીનો મુદ્દો જ નથી ! આહાહા... શું થયું !

ભ્રષ્ટાચાર ખતમ થઈ ગયો ? સમજાતું નથી...

***

વળી, એવું પણ પહેલી જ વાર બન્યું છે કે રાજકીય કાર્યકર્તાઓ વચ્ચે કોઈ હિંસક અથડામણો થઈ નથી છતાં બે ‘નાગરિકો’એ ગોળી ચલાવી દીધી !

હે ભગવાન, જરા સમજાવો... આ કેવી જાતની ચૂંટણી છે ?

***

- મન્નુ શેખચલ્લી

Comments