આજકાલ કોલેજોમાં ‘રોઝ-ડે’થી માંડીને ‘ધંતૂરા-ડે’ સુધીના ડે ઉજવાઈ રહ્યા છે ! અમને થયું કે એમાં થોડા નવા ડે ઉમેરવા જેવા છે...
***
બાથ-ડે
આવા મસ્ત શિયાળામાં મોર્નિંગ કોલેજોએ ‘બાથ-ડે’ ઉજવવા જેવો છે. આ દિવસે તમામ સ્ટુડન્ટો (ખાસ કરીને છોકરાઓ) સવારના પહોરમાં ‘નહાઈને’ કોલેજ આવશે !
***
પરફ્યુમ-ડે
સળંગ સાત દિવસ સુધી નાહ્યા તો ન જ હોય, ઉપરથી અંડરવેર અને બનિયાન પણ ના બદલ્યાં હોય એવા, તથા બીજા તમામ સ્ટુડન્ટો આ દિવસે કપડાં ઉપર ખુબ પરફ્યુમ છાંટીને આવશે !
***
સ્લો ફૂડ-ડે
કોલેજોની બહાર જ્યાં પિત્ઝા, બર્ગર, નૂડલ્સ અને દાબેલી જેવા ફાસ્ટ-ફૂડની લારીઓ ઊભી હોય છે, બિલકુલ ત્યાં જઈને એમની સામે જ, સ્ટુલો ઉપર બેસીને પોતાની મમ્મીએ બનાવેલી ભાખરીઓ, થેપલાં, ઢેબરાં અને છૂંદો જેવાં ‘સ્લો-ફૂડ’ ખાઓ !
***
લાયબ્રેરી-ડે
એક દિવસ અચાનક કોલેજના તમામ સ્ટુડન્ટોએ ‘લાયબ્રેરી જોવા’ જવાનું છે ! આટલા બધા સ્ટુડન્ટો એકસાથે જોઈને કદાચ લાયબ્રેરીયનો બેહોશ થઈ જાય તો એના માટે 108 પહેલેથી બોલાવી રાખવાની ! અને હા, લાયબ્રેરીમાં જઈને વાંચવાનું કશું નથી... માત્ર સેલ્ફીઓ લેવાની છે !
***
કી-ડે
પુસ્તકો કે કીડે ? પઢાઈ કે કીડે ? નોલેજ કે કીડે ? ના ભઈ ના, ડરો નહીં ! આ દિવસે તમારે માત્ર ચાવીઓના ઝુડા લઈને જવાનું છે... ‘કી’ ડે ! (સફળતાની ચાવી ! નો ડૂડ, બાઈકની ચાવી ! સ્કુટીની ચાવી !)
***
પોલિટિક્સ-ડે
જામિયા મિલિયા અને JNUના સ્ટુડન્ટો પાસેથી કંઈ શીખો ! ભણી ભણીને શું કરશો ? દિલ્હીના આ સ્ટુડન્ટોની જેમ આંદોલનો કરતાં શીખો ! કમ સે કમ એક આખો દિવસ સડક ઉપર બેસી તો જુઓ ? નારા શેના લગાડવાના એ શીખવવા તો પોલિટીશીયનો આવી જ પહોંચશે...
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment