આર્થિક બાબતોમાં અમે એક નંબરના ઈડિયટ છીએ. રૂપિયા-પૈસાના હિસાબમાં તો અમને પાણીપુરીવાળો પણ છેતરી… જાય છે. છતાં અમુક એક્સપર્ટ અર્થશાસ્ત્રીઓની જેમ અમને કેટલાક ‘ભોળા’ આર્થિક સવાલો થાય છે….
***
સવાલ (1)
છેલ્લા 70 વરસના તમામ બજેટોમાં ખેડૂતો માટે અબજો અને ખર્વો રૂપિયાની જોગવાઈઓ થઈ છે છતાં ખેડૂતોની હાલત કેમ સુધરતી નથી ?
***
સવાલ (2)
મગફળીની ખરીદીમાં સરકાર ટેકાના ભાવ આપે છે તો મારા તમારા જેવા ગ્રાહકોને સીંગતેલની ખરીદીમાં કેમ કોઈ ‘ટેકો’ કરતી નથી ?
***
સવાલ (3)
જો સરકાર અબજો ખર્વો રૂપિયામાં લડાકૂ વિમાન, સબમરીનો, ટેન્કો વગેરે ખરીદી શકે છે તો 200-500 કરોડની ડુંગળી કેમ ખરીદી નથી લેતી ?
***
સવાલ (4)
આજે કઈ ચીજ ઉપર ટેક્સ નથી ? શું આખા વરસમાં માત્ર એકાદ ફિલ્મને જ ‘ટેક્સ-ફ્રી’ કરી શકાય છે ?
***
સવાલ (5)
જો ટેક્સ ભરવો એ દેશસેવાનું કામ છે… અને જો તમામ ખાણીપીણી અને મોજશોખ ઉપર સૌથી વધારે ટેક્સ લાગે છે…
તો જે લોકો જરાય મોજશોખ નથી કરતા એ લોકો ‘દેશદ્રોહી’ ના કહેવાય ?
***
સવાલ (6)
સાદા કાજુ કરતાં તળેલા કાજુ ચાર ગણા મોંઘા ના હોવા જોઈએ ? ના ના, ‘દેશભક્તિ’નો સવાલ છે…
***
સવાલ (7)
અચ્છા ‘સેલ’માં જે બે આઈટમની ખરીદી ઉપર ત્રીજી આઈટમ ‘ફ્રી’માં મળે છે .... એનો GST કોણ ભરે છે ?
***
સવાલ (8)
પાણીપુરીવાળા ભૈયાજી પણ છેલ્લે છેલ્લે બે પાણીપુરી ‘ફ્રી’માં આપે છે… નિર્મલાજી, તમે તો કંઈક ‘ફ્રી’ આપો ?
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment