‘મિસ્ટર ભારત’ના નામે એક જમાનામાં જાણીતા થયેલા મનોજકુમાર પૂતળાછાપ એક્ટરમાંથી હલચલ મચાવી દેનારા ડીરેક્ટર બની ગયા હતા.
ફિલ્મોમાં મનોજકુમારની એન્ટ્રી થઈ ત્યારે મોટા સ્ટાર તરીકે દિલીપકુમાર, દેવઆનંદ, રાજકપૂર અને શમ્મીકપૂર ઓલરેડી છવાઈ ગયેલા હતા. એ સિવાયના એકટરોમાં માત્ર રાજકુમારને બાદ કરતાં કોઈમાં પોતાની અદા, સ્ટાઈલ કે અનોખી શૈલી નહોતી.
’60ના દાયકામાં ફિલ્મો પણ ઘર-ગૃહસ્થી ટાઈપની જ વધારે ચાલતી. જેમાં હીરો, બસ, સારો અને ડાહ્યો દેખાય એટલું જ પુરતું હતું. રાજેન્દ્રકુમાર, જેને જ્યુબિલી કુમાર કહેતા હતા, એનાં નસીબમાં જ હિટ ફિલ્મો લખી હતી એટલે જે ફિલ્મોમાં તેને ના લઈ શકાય, અથવા જે ફિલ્મો રાજેન્દ્રકુમારે છોડી હોય તે બાકી બચેલા હેન્ડસમ અને ડાહ્યા દેખાતા હીરોલોગને મળી જતી. (આમાં ધર્મેન્દ્ર પણ આવી ગયો, જે પાછળથી ‘હિ-મેન’ ‘મસલ-મેન’ તરીકેની ઈમેજ બનાવી શક્યો.)
મનોજકુમારે પણ એ જ કરવાનું હતું. રૂપાળા દેખાવાનું, ડાહ્યા દિકરા જેવું વર્તન કરવાનું અને જરૂર પડે ત્યારે થોડો ડાન્સ કરવાનો. આમાં ને આમાં મનોજકુમારના મનમાં બેસી ગયું હશે કે ધીમા અવાજે બોલવું એટલે ‘અંડરપ્લે’ કહેવાય, કપાળે કરચલીઓ પાડીએ એટલે ‘ઇન્ટેન્સ’ એક્ટીંગ કહેવાય અને અચાનક મોટેથી બૂમ પાડીએ એને ‘આઉટ બર્સ્ટ’ કહેવાય !
જ્યાં સુધી મનોજકુમાર ‘ડીરેક્ટર્સ બોય’ (એટલે કે કહ્યાગરો એકટર) હતો ત્યાં સુધી આ બધું પરદા ઉપર ઠીકઠાક પણ લાગતું હતું. જોકે ખરી ટ્રેજેડી (અથવા કોમેડી) એ પછી શરૂ થઈ !
મનોજકુમાર ફિલ્મ ‘ઉપકાર’થી પોતે ડીરેક્ટર બની ગયા એ પછી ‘બેકાબૂ’ બની ગયા. ‘ઉપકાર’માં મનોજકુમાર રાઈટર-ડીરેક્ટર તરીકે જ નહિ, પણ કેમેરામેનને અવનવા એન્ગલો બતાડવામાં ય માસ્ટર નીકળ્યા. એ પછી તો એમને કેમેરા એન્ગલોનું ભૂત એવું વળગ્યું કે કેમેરો વાંકોચૂકો ના થતો હોય (ખાસ કરીને ગાયનોમાં) તો કદાચ એમને ખાવાનું નહીં પચતું હોય !
એમને કેમેરા સામે ફોર-ગ્રાઉન્ડમાં કંઈને કંઈ જોઈએ જ ! કોઈ વાર ઝાંખરાં હોય, કોઈ વાર માટલાં હોય, કોઈ વાર અરીસા, કોઈ વાર દોરડી ભરેલો ખાટલો તો કોઈ વાર માછલી પકડવાની જાળ પણ દેખાય ! (ભલેને પછી ગાયન પહાડોમાં કેમ ના ગવાઈ રહ્યું હોય !)
રહી વાત મનોજકુમારની એક્ટિંગની, તો પોતે ડીરેક્ટર બન્યા પછી તો કોઈ કહેવાવાળું રહ્યું જ નહિ, એટલે મનોજકુમારે એક્ટિંગના નામે પ્રેક્ષકો ઉપર ઉખાણા છોડવાનાં શરૂ કર્યા ! કંઈ કેટલાય દૃશ્યોમાં તો ભાઈ સાહેબનું મોં પણ ના દેખાય ! મનોજભાઈ કેમેરા તરફ પીઠ કરીને ઊભા હોય, પીઠ પાછળ એમનો હાથ હોય, હાથની મુઠ્ઠી કઈ રીતે ધીમેથી વળે છે અને કેવી વાંકીચૂકી થાય છે... તે જોઈને આપણે વિચારી લેવાનું હોય કે મનોજભાઈના ચહેરા ઉપર કેવા હાવભાવ હશે !
જ્યારે ચહેરો દેખાય ત્યારે પણ ઉખાણાં ચાલુ જ હોય. એક તો ચાર દહાડાથી ખુલાસીને ઝાડો ન થયો હોય તેવી પીડા ચહેરા ઉપર લાવવાના પ્રયાસો કર્યા હોય, એમાં આપણે જ ગુંચવાઈ જઈએ કે ભાઈને દિલમાં દુઃખે છે કે બીજે ક્યાંક ?
એમાં ય વળી મનોજભાઈ કોઈક સીનમાં તો પૂતળાની જેમ દૂર આકાશમાં કંઈક જોતાં ઊભા જ રહ્યા હોય... કોઈ સીનમાં ગુન્ડાને મારવાને બદલે લીલું નાળિયેર પથ્થર ઉપર ફોડ્યું હોય... અને કોઈ સીનમાં એ ભાઈ હીરોઈનને રીઝવે છે કે ઝાડ પાછળ સંતાઈને કોઈ કેમેરા એન્ગલ શોધે છે એ જ ના સમજાય !
જે હોય તે, મનોજકુમારનું હિન્દી સિનેમામાં એક ચોક્કસ પ્રદાન છે. ‘ઓમ શાંતિ ઓમ’ના એક દૃશ્યમાં મનોજકુમારની જે રીતે મજાક ઉડાડવામાં આવી હતી એ અમને જરાય નહોતી ગમી.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment