પંચતંત્રની અમુક વાર્તાઓ એટલી અદ્ભૂત છે કે આટ-આટલાં વરસો પછી પણ તેમાં ‘આજની વાર્તા’ જોઈ શકાય છે. જે રીતે ‘ગોલમાલ’ ફિલ્મની સિકવલો બની શકે છે એ રીતે પંચતંત્રની આ વાર્તાની સિકવલ પણ માણવા જેવી છે...
***
એક ગામમાં એક ઘરડો ગોવાળિયો હતો. તે ગામની ગાયો, ભેંશો, બકરાં, ઘેટાં વગેરેને ચરાવવાનું કામ કરતો હતો. ગોવાળિયો બિચારો ઘરડો અને શાંતિપ્રિય હતો. એટલો બધો શાંતિપ્રિય કે તેના ડચકારા પણ પશુઓને સંભળાતા નહિ.
ગામ લોકોને વરસો જુનો એક ત્રાસ હતો. પાદરની પેલે પાર આવેલા ડુંગરા પાછળથી અવારનવાર શિયાળવાં, વરૂ અને વાઘ વગેરે આવીને ઘેટાં-બકરાં અને ગાયને ફાડી ખાતાં હતાં. આ ત્રાસ જ્યારે વધી ગયો ત્યારે ગામ લોકોને થયું કે ઢોરોની રખેવાળી કરવા માટે ‘ગોવાળિયો’ નહીં પણ કોઈ ‘ચોકીદાર’ રાખવો જોઈએ.
ગામમાં આવો એક ચોકીદાર ઓલરેડી હતો જ ! એનો અવાજ પણ બુલંદ હતો અને છાતીનું માપ પણ ઘણું મોટું હતું. ગામવાળાએ એ ચોકીદારને ગોવાળિયાનું કામ સોંપી દીધું.
ચોકીદારે ડ્યૂટી સંભાળતાની સાથે હાકલા પડકારા અને ખોંખારા ખાવાનાં શરૂ કરી દીધાં. પોતે જોરદાર કામ કરે છે એ બતાડવા માટે એણે એકવાર મોટે મોટેથી બૂમો પાડવા માંડી “વાઘ આવ્યો રે વાઘ... દોડજો રે દોડજો ...!” ગામ લોકોનાં ટોળેટોળાં લાઠી, ધારિયા, ભાલા વગેરે લઈને દોડી આવ્યાં પણ વાઘ ક્યાંય દેખાયો નહીં.
આવું પેલો ચોકીદાર વારંવાર કરવા લાગ્યો. ‘વાઘ આવ્યો રે વાઘ...’ની બૂમો સાંભળીને ગામલોકો દોડી આવે, પણ વાઘ ક્યાંય દેખાય નહીં ! હકીકતમાં ગામલોકોનાં ધાડાં વારંવાર મોટી સંખ્યામાં ધસી આવતા જોઈને વાઘ, શિયાળવાં અને વરૂઓ ડરી ગયા હતા. તેથી હૂમલા પણ ઘટી ગયા.
આના કારણે પેલા ગોવાળિયાના પરિવારના પેટમાં તેલ રેડાયું ! દાયકાઓથી જે ગાયોને પોતે દોરે ત્યાં લઈ જતા હતા અને જે ઘેટાંઓને ટોળાંમાં ને ટોળાંમાં રાખતા હતા તે આખો વટ જતો રહેશે તેવો ડર પેઠો.
તેમણે ગામલોકોને કહેવા માંડ્યું કે હવે તો વાઘ-શિયાળ-વરૂનો કોઈ ડર રહ્યો નથી, માટે ચોકીદારનું શું કામ ? આપણા ચોકોદીરને ઘરે બેસાડીને ગોવાળિયાઓને ધણ સોંપવા જોઈએ.
આ વાતો સાંભળીને ચોકીદાર ચેતી ગયો. એણે જાણી જોઈને બે-ચાર શિયાળવાંને બાર-પંદર ઘેટાંઓને ફાડી ખાવા દીધાં ! ગામ લોકો ડરી ગયા ! ચોકીદારે ડાંગ પછાડીને કીધું “તમે જુઓ, હવે એમની ખેર નથી !”
ચોકીદારે રાત્રે પહાડ ઉપર ચડીને પેલી બાજુએ તીર, ભાલા અને પથ્થરોનો વરસાદ વરસાવી મૂક્યો. પછી જાહેર કર્યું કે પેલી બાજુએ પાંચ નાના-મોટા વાઘ મરી ગયા છે !
આ સાંભળીને ગોવાળિયા કહેવા લાગ્યા. ‘ચોકીદારે વાઘને માર્યા જ હોય તો એનાં હાડકાં બતાડો !’ ચોકીદાર કહે “જાવ, એવું હોય તો જાતે જ જઈને શોધી લાવો ને ?” હવે, વાઘની બોડમાં જઈને વાઘનાં હાડકાં લેવા કોણ જાય !?
આમાંને આમાં પેલા ચોકીદારની નોકરી ટકી ગઈ.. સૌએ ખાધું-પીધું અને ચોકીદારે રાજ કર્યું !!
(નોંધ : તમને એમ હશે કે વારતા અહીં પુરી થઈ ગઈ પણ ના, એવું નથી આ તો ઈન્ટરવલ પડ્યો ! ઈન્ટરવલ પછીની વાર્તામાં એવું છે કે ચોકીદારે ‘વાઘ આવ્યો રે વાઘ’ની બૂમો ફરી ચાલુ કરી દીધી છે.... એ કહે છે કે ગામનાં ઘેટાંઓમાં અમુક બચ્ચાંઓ શિયાળ, વરૂ અને વાઘનાં છે !
બીજી બાજુ ગોવાળિયાઓએ એવું બૂમરાણ મચાવ્યું છે કે ચોકીદાર જ વાઘ છે ! બસ, પ્રોબ્લેમ એક જ છે : દરેક પ્રકારનાં ‘ઘેટાંઓમાં’ સખ્ખત કન્ફ્યુઝન છે !)
***
- મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment