ગઈકાલે ‘વર્લ્ડ સાયન્સ ડે’ હતો. તમને નવાઈ લાગશે પણ સાયન્સના ઘણા નિયમો રાજકારણમાં સિધ્ધ થતા હોય છે !
અગાઉ કહેવાતું હતું કે ગુજરાત એ ભાજપની ‘લેબોરેટરી’ છે. આજકાલ લાગે છે કે દિલ્હી દેશની તમામ પાર્ટીઓની ‘લેબોરેટરી’ બની ગઈ છે. અરે, અહીં તો ‘રાજકીય પ્રયોગોથી’ સાયન્સના નિયમો પણ સાબિત થઈ રહ્યા છે ! જુઓ….
***
આઘાત અને પ્રત્યાઘાત
‘એવરી એક્શન હેઝ ઇકવલ એન્ડ ઓપોઝિટ રિ-એકશન’.. આ નિયમ તાજેતરમાં ફાટી નીકળેલાં રમખાણોમાં સાબિત થઈ ગયો ને !
***
ઘર્ષણવિદ્યુતનો નિયમ
એક પ્રયોગ એવો છે કે બે કરકરી સપાટીઓને એકબીજા સાથે તીવ્ર રીતે ઘર્ષણમાં લાવવામાં આવે તો એમાંથી અચૂક તણખો ઝરે છે !
બીજો પ્રયોગ એવો છે કે ઊન અથવા પ્લાસ્ટિક જેવા અમુક પદાર્થોને સતત પંપાળ્યા કરો પછી એક તબક્કે એમાં ‘સ્ટેટિક ઇલેક્ટ્રીસિટી’ યાને કે ‘સ્થાપિત વિદ્યુતભાર’ પેદા થઈ જાય છે ! જેને અજાણતાં સ્પર્શ કરવા જતાં વીજળીનો ઝાટકો લાગી શકે છે !
***
વિદ્યુતપ્રવાહનો નિયમ
આ નિયમ સાવ સીધોસાદો છે. એમાં લખ્યું છે કે વીજપ્રવાહ હંમેશાં ધનભારથી ઋણભાર તરફ યાને કે ‘પોઝિટીવ’થી ‘નેગેટિવ’ તરફ જ વહેતો હોય છે !
ટુંકમાં જ્યાં જ્યાં ‘નેગેટિવ સ્થિતિ’ વધારશો ત્યાં કરંટ જ લાગવાનો છે !
***
ઉચ્ચાલનનો નિયમ
અહીં પણ નિયમ સિમ્પલ છે કે લગાડવામાં આવતું ‘બળ’ ‘કેન્દ્ર’થી જેટલું ‘નજીક’ હોય તેટલું તે વધારે ‘બોજ’ને હલાવી કે ઉછાળી શકે છે !
(અહીં ‘બળ’ની જગાએ શાહિનબાગ અને કેન્દ્રની જગાએ ન્યુઝ ચેનલો મુકી જુઓ, એટલે આખો ‘પ્રયોગ’ સમજાઈ જશે.)
***
દ્રષ્ટિ સાતત્યનો નિયમ
પંખીનું ચિત્ર પિંજરામાં જ છે. પરંતુ એક ચિત્રમાં તેની પાંખ ઊંચી અને બીજામાં નીચી રાખીને ચિત્રને ધરી ઉપર ફેરવ્યા કરો તો એવો દ્રષ્ટિભ્રમ ઊભો થાય છે કે પક્ષીને ‘આઝાદી’ જોઈએ છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment