લક્ષ્મી પ્યારેનાં ગાયનોને માણવાની 'ચાવી' !


મોટાભાગના સંગીત રસિયાઓ માને છે કે લક્ષ્મીકાંત પ્યારેલાલનાં ગીતો બહુ ‘લાઉડ’ હોય છે. વાત ખોટી નથી. પરંતુ એમના ગીતોને એન્જોય કરવા માટે, ખાસ કરીને આજે માણવાં હોય તો જરા જુદી રીતે જોવા-સાંભળવા પડે.

લક્ષ્મી-પ્યારેની પહેલી ફિલ્મ 'પારસમણિ' (1962)માં આવી ત્યારે લોકપ્રિયતામાં શંકર-જયકિશનનું એકચક્રી રાજ હતું. બન્યું એવું કે 'પારસમણિ'માં બીજાં પણ સુંદર મેલોડિયસ ગીતો હતાં. (વો જબ આયે, બહોત યાદ આયે) (રોશન તુમ્હીં સે દુનિયા…) પરંતુ સુપરહિટ થઈ ગયું પેલું ધમાલિયું સોંગ…  “હંસતા હુઆ નુરાની ચહેરા…”

થિયેટરોમાં 'પારસમણિ' ફિલ્મ પણ આ જ ગાયનને લીધે હિટ સાબિત થઈ ! શક્ય છે કે આ એક ગીતને સફળતાને કારણે લક્ષ્મી પ્યારેનો ઝોક ધમાલ / લાઉડનેસ / રિધમમાં ઝમક  વગેરે ઉપર વધી ગયો હોય.

બીજું પણ એક મોટું કારણ હતું. ’60ના દાયકામાં ઘેર ઘેર રેડિયો પહોંચવા માંડ્યો હતો. એટલું જ નહિ, મામુલી રેસ્ટોરન્ટો કે હેર-કટિંગ સલુનોમાં સતત રેડિયો વાગતો રહેતો હતો. એ ઉપરાંત જ્યારે પણ નાનાં-મોટાં લગ્નો હોય, મેળો હોય કે સરકસ આવ્યું હોય ત્યારે રેકોર્ડ પ્લેયર વડે સતત ગાયનો વગાડવાનો દૌર શરૂ થયો હતો.

આ રેડિયોના સ્પીકરો કે મેળાનાં ભૂંગળામાં લક્ષ્મી-પ્યારેનાં ગાયનો બહુ ‘જોરદાર’ લાગતાં હતાં ! એ જમાનામાં નાનાં નાનાં ગામડાંઓમાં રેડિયોનાં વેવ્ઝ સરખાં પકડાતાં નહોતા. એવા ટાઈમે પણ લક્ષ્મીપ્યારેના લાઉડ ગાયનો 'જમાવટ' કરતાં હતાં. કદાચ એ જ કારણસર લક્ષ્મી-પ્યારેની એન્ટ્રી પછી કલ્યાણજી આનંદજી, સોનિક ઓમી,  રવિન્દ્ર જૈન જેવા સંગીતકારોએ લક્ષ્મી-પ્યારેની ‘સ્ટાઈલ’ અપનાવી લીધી. એક સમય એવો હતો જ્યારે એક તરફ આર.ડી.બર્મનની સ્ટાઇલ અને બીજી તરફ એલ.પી.સ્ટાઇલના તમામ સંગીતકારો એવું થઈ ગયું હતું.

ત્યાર બાદ તો અનુ મલિક, આનંદ-મિલિન્દ, જતિન-લલિત જેવા સંગીતકારોએ એ સ્ટાઈલની ઝેરોક્સ કોપીઓ વાપરવા માંડી અને નદીમ-શ્રવણે તો બગડેલા કાર્બન પેપર વડે બનાવેલી ડાઘાડુઘી વાળી નકલો બનાવીને દાટ વાળી નાંખ્યો.

લક્ષ્મી-પ્યારેનાં ગીતોમાં એક ખાસ પ્રકારની ‘શાઈનિંગ’ રહેતી હતી. ઉદાહરણ તરીકે બે જ ગીતો લો : “જીના યહાં મરના યહાં…” (મેરા નામ જોકર) “મૈં શાયર તો નહીં…” (બોબી) આ બન્ને ગીતોની રિધમ સરખી છે. ઓરકેસ્ટ્રામાં વાગતાં વાજિંત્રો પણ લગભગ એ જ છે છતાં ‘બોબી’ના ગીતમાં એક એકસ્ટ્રા ‘રણકો’ છે !

હકીકતમાં આ એકસ્ટ્રા રણકો જ લક્ષ્મી-પ્યારેની ભલભલી સુંદર મેલોડિયસ ધૂનોને ‘લાઉડ’ બનાવી દેતો હતો. એમાંય, દરેક ગીતમાં રિધમ સેક્શન (ખાસ કરીને ઢોલકને) લાઉડ રાખવાને લીધે લાભ અને નુકસાન બન્ને થયાં. લાભ એ થતો કે ગીત રિલિઝ થતાંની સાથે ધમાલ મચાવી દેતું પણ નુકસાન એ થતું કે લાંબે ગાળે એ ગીતો કર્કશ લાગવા માંડ્યાં.

હવે લેખના હેડિંગમાં જે વાત લખી છે એની ઉપર આવું. લક્ષ્મી-પ્યારેનાં ગીતો એન્જોય કરવાની ચાવી મને ત્યારે મળી જ્યારે હું હોસ્ટેલમાં રહેતો હતો. તે વખતે હોસ્ટેલમાં મારી પાસે ટ્રાન્ઝિસ્ટર રેડિયો નહોતો. ત્યારે અમુક ગાયનો ‘પહેલીવાર’ કોઈ દોસ્તોના ‘મોઢે’ સાંભળવાનું થતું ! આમાં એક સુરીલું ગળું ધરાવતા દોસ્ત પાસેથી અમુક ગાયનો પહેલીવાર ‘અન-પ્લગડ’ રીતે સાંભળ્યાં… જેમ કે…

‘યે પહલે પ્યાર કી ખુશબુ, તેરી સાંસોં સે… (બદલતે રિશ્તે), જબ ભી જી ચાહે નઈ દુનિયા બસા લેતે હૈ લોગ (દાગ), અખિયોં કો રહને દો અખિયોં કે આસપાસ (બોબી), મેરે દિવાનેપન કી ભી દવા નહીં (મહેબૂબ કી મહેંદી)’ વગેરે.

ત્યારે સમજાયું કે યાર, લક્ષ્મી-પ્યારેનાં આ લાઉડ ઢોલકને ખસેડીને ત્યાં તબલાં કે માત્ર ગિટારનો રિધમ રાખો તો શું અદ્‌ભૂત તરજો છે ! બસ, એ પછી અમે લક્ષ્મી પ્યારેની અમુક ધૂનોને અમારા દિલની નજીક પરમેનેન્ટ જગા આપી દીધી છે ! લો, એમાંનું એક ખૂબ જ અધૂરું લિસ્ટ…

કોઈ નહીં હૈ, ફિર ભી હૈ મુજ કો ક્યા જાને કિસ કા ઇંતેજાર (પથ્થર કે સનમ),

ઓ ઘટા સાંવરી, થોડી થોડી બાવરી (અભિનેત્રી), આજ દિલ પે કોઈ જોર ચલતા નહીં (મિલન), 

હુઈ શામ ઉન કા ખ્યાલ આ ગયા (મેરે હમદમ મેરે દોસ્ત), 

જો ઉનકી તમન્ના હૈ બરબાદ હો જા (ઈન્તકામ), 

મન ક્યું બહેકા રી બહેકા આધી રાત કો (ઉત્સવ), 

તુમ બિન જીવન કૈસે બીતા, પૂછો મેરે દિલ સે (અનિતા), 

નીંદ કભી રહેતી થી આંખો મેં (આસરા)

તુમ ગગન કે ચંદ્રમા હો મૈં ધરા કી ધૂલ હૂં ( સતી સાવિત્રી)

ખબર મોરી ના લીની રે, બહોત દિન બીતે (સંત જ્ઞાનેશ્વર)

એક તેરા સાથ હમ કો દો જહાં સે પ્યારા હૈ ( વાપસ)

રંગ મહલ કે દસ દરવાજે ના જાને કૌન સી ખિડકી ખુલી થી (સત્યમ શિવમ સુંદરમ)

જો ઉન કી તમન્ના હૈ બરબાદ હો જા (ઈન્તેકામ)

હૂઈ શામ ઉન કા ખયાલ આ ગયા (મેરે હમદમ મેરે દોસ્ત)

એક રીતુ આયે એક રીતુ જાયે મૌસમ બદલે ના બદલે નસીબ (ગૌતમ ગોવિંદા )

સો ગયા યે જહાં સો ગયા આસમાં ( તેજાબ)

મૌસમ સુહાને આ ગયે (જુદાઈ)

મેઘા રે મેઘા રે ( પ્યાસા સાવન)

વોં હૈં જરા ખફા ખફા… (શાગિર્દ)

ચાલો, તમે પણ લક્ષ્મી-પ્યારેથી ખફા ખફા ભલે રહો, અમને વાંધો નથી !

***

- મન્નુ શેખચલ્લી

Comments