નવી સરકારી જોક !


સરકારી તંત્રોમાં ચાલતી તુમારશાહીમાં ક્યારેક કેવા રમૂજી ગોટાળા થતા હોય છે તેનો આ એક લગભગ સાચો કિસ્સો છે.

***

વાંસદા જિલ્લામાં સરકારના વન-વિભાગની એક નવી ઓફિસ શરૂ કરવાની હતી. તેની માટેનું બજેટ મંજુર કરવા માટે ગાંધીનગરની ઓફિસમાં કાગળિયાં કરવામાં આવ્યાં.

એમાં લખ્યું હતું કે ભઈ, આટલાં ટેબલો જોઈશે, આટલી ખુરશીઓ, આટલા પંખા, આટલાં પગ લૂછણિયાં, આટલાં પેપર વેઈટ, આટલી સ્ટેશનરી આઈટમો વગેરે વગેરે... જોઈશે. તો મહેરબાની કરીને બજેટ મંજુર કરવા વિનંતી.

હવે. આ લિસ્ટમાં ક્યાંક લખ્યું હતું ‘આઠ ઘોડા’…

આ જોઈને ગાંધીનગરમાં કોઈની આંખો ચમકી. એણે પત્રવ્યવહાર કરીને પૂછાવ્યું કે ભઈ, આ ઘોડાનું તો સમજ્યા. પણ એને રાખવાની વ્યવસ્થા છે ખરી ? એના માટે તબેલા જોઈશે, ઘાસચારો જોઈશે, ઘોડાની કાળજી લેવા માણસો જોઈશે... આ બધી વ્યવસ્થા થશે ખરી ?

વાંસદા ઓફિસેથી જવાબ આવ્યો કે સાહેબ, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. અહીં  આખો જંગલ વિસ્તાર છે એટલે ઘાસચારાની તો કોઈ સમસ્યા જ નથી. બીજી વાત કે, ઘોડાને રાખવા માટે જે જગા જોઈએ તે અહીં છે જ કારણ કે અહીં ફાજલ જમીન બહુ પડી છે. વળી, તબેલો ઊભો કરવા માટે લાકડાં, ઘાસ, પાટિયાં વગેરેની જરૂરિયાત પણ જંગલમાંથી જ થઈ જશે. રહી વાત ઘોડાની કાળજી રાખનારા માણસોની, તો તે અહીં જંગલના આદિવાસીઓમાંથી સહેલાઈથી મળી રહેશે. તેમને નવી એપોઈન્ટમેન્ટ આપવાની જરૂર નથી. દહાડી મજુરીના ધોરણે હંગામી માણસોને રાખી શકીશું. બસ, તમે મૂળ બજેટને મંજુરી આપો. ઓફિસ શરૂ કરવામાં વિલંબ થઈ રહ્યો છે... વગેરે વગેરે...

ગાંધીનગરથી થોડા દિવસોમાં આખું બજેટ મંજુર થયું. ફાઈલ વાંસદાના વન-વિભાગના ઓફિસર પાસે આવી. આ સાહેબ બદલી થઈને નવા આવ્યા હતા. એમણે જોયું :

“આઠ ઘોડા ? આપણે ઘોડાનું શું કામ છે ? જીપો તો છે ! ”

છેવટે ‘ઊંડી તપાસ’ કરતાં ખબર પડી કે પેલા ચાર પગવાળા જીવતા-જાગતા ઘોડા નહીં, પણ લોખંડના, ફાઈલો રાખવા માટેના ઘોડાની વાત હતી !

***

- મન્નુ શેખચલ્લી

Comments