ગુજરાતનાં શહેરોમાં હેલ્મેટનો નિયમ પાછો તો આવી ગયો છે પરંતુ ટ્રાફિક પોલીસને સુચના આપી લાગે છે કે તેનો સખતાઈથી અમલ કરાવવો નહીં.
આમાં જ એક જોક બની ગઈ…
***
એક ભાઈ હેલ્મેટ વિના સ્કુટર ઉપર જતા હતા. પોલીસે એમને ઊભા રાખ્યા : “હેલ્મેટ કેમ નથી પહેરી ?”
પેલા ભાઈએ કહ્યું “જરા સમજો, હું એક ડોક્ટર છું. મેં મારી હોસ્પિટલમાં ભલભલા એક્સિડેન્ટવાળા સેંકડો લોકોનાં ઓપરેશનો કરીને એમના જીવ બચાવ્યા છે…”
પોલીસે કહ્યું “ડોક્ટર થઈને પોતાના જીવની કાળજી નથી લેતા ? ઠીક છે, આ વખતે જવા દઉં છું. હવે પછી ધ્યાન રાખજો…”
બીજા એક ખડતલ સજ્જન બાઈક ઉપર જઈ રહ્યા હતા. પોલીસે અટકાવ્યા : “હેલ્મેટ ક્યાં છે ?”
બાઈકવાળા સજ્જને કહ્યું “ભાઈ, હું રિટાયર થયેલો આર્મીનો જવાન છું. મેં દેશની રક્ષા કરવામાં જાનની બાજી લગાવી છે. એ તો ઠીક, પંદર પંદર વરસ લગી લોખંડી ટોપો પહેર્યો છે. હવે તો જરા રાહત લેવા દો ?”
પોલીસે તરત જ છાતી કાઢીને સલામી આપી. “સર ! અમને તમારી ઉપર ગર્વ છે ! આખા દેશને તમારા માટે માન છે ! બસ, એક જ રિક્વેસ્ટ છે, હવે પછી હેલ્મેટ વિના નીકળશો નહિ….”
થોડીવાર પછી એક જાડા ચશ્માવાળાં બહેન સ્કુટી પર નીકળ્યાં. પોલીસે અટકાવ્યાં : “હેલ્મેટ ક્યાં છે ?”
બહેન તો મોટા અવાજે બોલવા લાગ્યાં. “જરા મોં સંભાળીને વાત કરો. હું એક સ્કુલ ટિચર હતી. મેં ભલભલા તોફાની છોકરાઓને અંગૂઠા પકડાવીને સીધા કરી નાંખ્યા છે ! કંઈ કેટલા રખડૂ છોકરાઓને લાઈન પર લાવી દીધા છે…”
“એક મિનિટ, તમે કઈ સ્કૂલમાં હતાં ?”
“જીડી હાઈસ્કૂલમાં, કેમ ?”
પોલીસની આંખો ચમકી ઉઠી. “તમે વિદ્યાબહેન તો નહીં ? બહુ કડક હતાં…”
“હા હા, એ જ !”
પોલીસે હવે શાંતિથી કહ્યું “બેન, સ્કુટી સાઈડમાં મુકો, ડેકીમાંથી નોટ-પેન કાઢો… અને 151 વાર લખો… હવે પછી હું હેલ્મેટ પહેર્યા વિના સ્કુટી નહીં ચલાવું !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment