ટ્રમ્પ-સુરક્ષાના દેશી ઉપાયો !


પ્રેસિડેન્ટ ટ્રમ્પ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં આવવાના છે. એમનું વિમાન કેવું છે, કાર કેવી છે અને સુરક્ષા વ્યવસ્થા કેવી જડબેસલાક હોય છે એની વાતો બહુ આવી ગઈ.

ટ્રમ્પની સુરક્ષા માટે કેવાં કેવાં પગલાં લેવાઈ રહ્યા છે. એની પણ ચર્ચા છે. છતાં અમુક દેશી ઉપાયો તો કરવા જ જોઈએ ને !

***

ઉપાય – 1

ટ્રમ્પ સાહેબના વિમાન, હેલિકોપ્ટર અને કાર આ ત્રણેયમાં એક-એક લીંબુ અને બબ્બે મરચાં લટકાવો.

***

ઉપાય – 2

એરપોર્ટની આસપાસથી વાંદરાઓ પકડીને દૂર કરવાને બદલે બિલાડીઓ પકડો. કારણ કે જો એકાદ પણ આડી ઉતરશે તો અપશુકન થશે.

***

ઉપાય – 3

એરપોર્ટ ઉપર ઉતરતાંની સાથે જ ટ્રમ્પ સાહેબને કુંવારી કન્યાઓ પાસે રાખડીઓ બંધાવો. રક્ષાબંધન વડે થશે સુરક્ષા.

***

ઉપાય – 4

ટ્રમ્પ સાહેબની સુરક્ષા માટે જે આખો સ્ટાફ અમેરિકાથી અહીં આવ્યો છે એમને મહામૃત્યુંજયનાં જાપ શીખવાડી રાખો. આખી યાત્રા દરમ્યાન મનમાં બોલતા રહેવાનું છે.

***

ઉપાય – 5

ટ્રમ્પ સાહેબને માથે કોઈપણ ઘાત હોય તો તેનું નિવારણ કરવા માટે તાંત્રિકો પાસે વિધિ કરાવડાવો. બદલામાં તાંત્રિકોને
અમેરિકાના વિઝા આપો.
***

ઉપાય – 6

ટ્રમ્પનાં પત્ની તથા પુત્રી પાસે બાધા લેવડાવો કે તેઓ હેમખેમ પાછા ફરે તો વોશિંગ્ટનના હિન્દુ મંદિરમાં સાત નાળિયેર ચડાવશે.

***

ઉપાય -7

ટ્રમ્પ સાહેબનો પર્સનલ સ્ટાફ અમદાવાદની આસપાસ આવેલી તમામ પીરબાબાની દરગાહોમાં ફૂલોની ચાદર ચડાવવાની બાધા રાખશે.

***

ઉપાય – 8

અને....અહીંથી પાછા અમેરિકા જાય ત્યારે  ‘તમારું જે થવાનું હોય તે થાય…’ એમ કહીને વિદાય આપવામાં આવશે !

***

- મન્નુ શેખચલ્લી

Comments