ટ્રમ્પ સાહેબની દિવાલ !


અમેરિકાના પ્રેસિડેન્ટ મોટેરા સ્ટેડિયમમાં આવે ત્યારે રસ્તામાં એમને ઝૂંપડપટ્ટી ના દેખાઈ જાય એટલા માટે દિવાલ બંધાઈ ગઈ...

આમાં ને આમાં સોશિયલ મિડિયાની ‘વૉલ’ (દિવાલ !) ઉપર જે જોક્સ ફાટી નીકળી છે એમાં થોડા ઉમેરા કરીએ !

***

સવાલ :

ચીનની આવડી મોટી દિવાલ શેના માટે બાંધવામાં આવી હતી ?

જવાબ :

ટ્રમ્પ સાહેબના દાદાના, દાદાના, દાદાના, પરદાદા ચીનની મુલાકાતે આવવાના હતા.

***

સવાલ :

અમદાવાદમાં આવી દિવાલ બની રહી છે એ ખબર મિડિયામાં શી રીતે પહોંચી ગઈ ?

જવાબ :

લો, ખબર નથી ? અરે ભઈ, દિવાલોને પણ કાન હોય છે !

***

“દીવારોં સે મિલકર રોના, અચ્છા લગતા હૈ....”

- આવું દસ-બાર કરોડપતિ પત્રકારો ભેગા મળીને ગાતા હતા.

***

ટ્રમ્પ આ દિવાલ જોઈને શું કહેશે ?

- લો, તમને તો સસ્તામાં પડ્યું ! મારે તો દિવાલ બંધાવવાની જીદમાં 35 દિવસ માટે સરકારનું ‘શટ-ડાઉન’ થઈ ગયું હતું !

***

“લંબી દિવારેં ચુનવા દો... લાખ બિછા દો પહરે...”

- આવું ગાયન ટ્રમ્પની સિક્યોરીટીવાળા ગણગણતા હતા, બોલો.

***

“ભૈયા યે દીવાર ટૂટતી ક્યું નહીં હૈ ?”

- આવું ટ્રમ્પના ગયા પછી કોઈ નહીં પૂછે ! કેમ કે સૌને સરકારી કોન્ટ્રાક્ટરોની ક્વોલીટી ઉપર પૂરો ભરોસો છે !

***

ઇતિહાસકાર : “શું તમને ‘દિવાલ પર લખેલું લખાણ’ (રાઈટિંગ્સ ઓન ધ વૉલ) વંચાઈ રહ્યું છે ?”

અમદાવાદી : (ઝીણી આંખો કરીને) “અં.... અં... અહીં પેશાબ કરવો નહીં...”

***

“દિલ કહતા હૈ, દુનિયા કી હર રસ્મ ઉઠા દેં,
દીવાર જો હમ દોનો મેં હૈ, આજ ગિરા દેં...”

- જાવેદ સાહેબ, ચાર-પાંચ દિવસ શાંતિ રાખો ને ! ટ્રમ્પ જાય પછી ઝુંપડાવાળા જાતે જ તોડી નાંખશે.

***

- મન્નુ શેખચલ્લી

Comments