14 ફેબ્રુઆરી તો વર્ષનો સૌથી રોમેન્ટિક દિવસ ગણાય છે પરંતુ 15 ફેબ્રુઆરીનું શું ? તો જુઓ, એની પણ જાત જાતની રીતે નોંધ લેવાય છે...
***
ટચૂકડી જા x ખ
સૌંદર્યવાન યુવતીઓ ધ્યાન આપે...
જો આપની પાસે બે-ત્રણ ડઝન જેટલાં ગુલાબો ભેગાં થયાં હોય તો તેનો લાભ ઉઠાવો. ફોન નંબર ફલાણા ફલાણા જોડો... અમે ગુલાબોના જથ્થાના બદલામાં ગુલાબજળ, રોઝ પરફ્યુમ અથવા અત્યંત સ્વાદિષ્ટ ગુલકંદથી ભરેલી બાટલીઓ બાર્ટર સિસ્ટમથી ઓફર કરીએ છીએ.
જલ્દી કરો, સિમીત સ્ટોક... વહેલી તે પહેલી !
***
ટુંકા સમાચાર
અન્ય સાથે અફેર હોવાની શંકાથી યુવતીએ યુવકને સેન્ડલે સેન્ડલે માર માર્યો.
બનાવની વિગત એવી છે કે સુનામી (નામ બદલ્યું છે) નામની યુવતીને પ્રેમ કરનારા ગુમનામ (નામ બદલ્યું છે) નામના યુવકે ‘આઈ લવ યુ ફ્રોમ ડિપેસ્ટ ઓફ માય હાર્ટ’ એવો મેસેજ મોકલેલ હતો પરંતુ ધ્યાનથી જોતાં સુનામીને માલુમ પડેલ કે તે મેસેજ બીજે ક્યાંકથી આવેલ 'ફોરવર્ડેડ' મેસેજ હતો. આથી ગુસ્સામાં આવીને સુનામી ગુમનામના ઘરે જઈ, તેને ઘરમાંથી બહાર ખેંચી કાઢીને સેન્ડલે સેન્ડલે માર માર્યો હતો.
પોલીસે ગુમનામની ફરિયાદ નોંધીને જમણા પગની એક સેન્ડલને હૂમલાના હથિયાર તરીકે કબજે લીધી છે. યુવતી સુનામી બીજા હથિયાર સાથે લાપતા છે.
***
આંતરરાષ્ટ્રિય સરવે
પેરિસમાં આવેલી ‘હાર્ટ-બ્રેક ઇન્ટરનેશનલ’ નામની સંસ્થાએ સાત વર્ષના અભ્યાસ બાદ જે સરવેના આંકડા જાહેર કર્યા છે તેમાં જાણવા મળે છે કે દુનિયાભરમાં હાર્ટ-એટેકની સૌથી વધુ ઘટનાઓ 14 ફેબ્રુઆરીએ બને છે.
જેમાં પરણેલા કરતાં વધુ કુંવારાઓ, યુવતીઓ કરતાં વધુ યુવકો, ગામડીયાઓ કરતાં વધુ શહેરીઓ અને માતૃભાષા મિડિયમ કરતાં ઇંગ્લીશ મિડિયમવાળાની સંખ્યા હંમેશા વધારે રહી છે.
ભારતમાં ભારતીય સંસ્કૃતિને બચાવવા માટે કાર્ય કરતી એક સંસ્થાએ માગણી કરી છે કે સરકારે ‘આયુષ્યમાન’ યોજના હેઠળ આવા પિડીતોને આગોતરું વીમા-કવચ આપવું જોઈએ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment