અમદાવાદી બોયફ્રેન્ડનો 'વેલેન્ટાઇન' લવ-લેટર !


ડિયર બકુડી,

આ લેટર તને એટલા માટે લખું છું, કેમ કે, મારા મોબાઈલમાં બેલેન્સ પતી ગયું છે. ઉપરથી બાજુવાળા પાડોશીએ એનું વાઈ-ફાઈ કનેક્શન બી કાઢી નાંખ્યું છે. એક્ચ્યુલી મારે તને રોઝ મોકલવું હતું પણ કોઈ ફ્લાવર-શોપવાળાએ એક સિંગલ રોઝની ખરીદી ઉપર કોઈ ટાઈપનું ડિસ્કાઉન્ટ આપવાની ના પાડી દીધી. એટલે એ આઇડિયા પોસ્ટપોન કર્યો છે. જોઉં છું, આવતીકાલે બધી શોપમાં રોઝનો જે વધી પડેલો સ્ટોક હશે એમાંથી કોઈ ‘ક્લિયરન્સ સેલ’ કાઢે તો તને લઈ આપીશ.

ઇન ધ મિન ટાઈમ, મેં તને ગયા વરસે વેલેન્ટાઈન-ડે વખતે જે બાવીસ મેસેજો ફોરવર્ડ કરેલા એમાં કમ સે કમ વીસમાં તો રોઝ હશે જ. તેં એ સેવ કર્યા હોય તો આ વખતે બી મેં જ સેન્ડ કર્યા છે એમ માનીને જોઈ લેજે. ડાર્લિંગ, રિયલ નહીં તો વર્ચ્યુઅલ ભાવનાને સમજ. (ભાવના આન્ટીની વાત નથી કરતો. મારી ફિલિંગ્સની વાત કુરં છું. ભાવના એટલે ફિલીંગ. ઓકે?)

હવે સાંભળ, આજે તારે કયા રેસ્ટોરન્ટની કઈ ફેવરીટ આઈટમ ખાવાનો મૂડ છે ? તું ખાલી ચાર પાંચ રેસ્ટોરન્ટનાં નામ બોલ ! એટલે તરત તને એ બધાનાં મેનુ ડાઉનલોડ કરીને ઓનલાઈન સેન્ડ કરી દઉં. પછી એમાંથી તારી ચોઈસની આઈટમ સ્વીગી કે ઝોમેટોમાંથી ઓર્ડર કરીને તારા ઘરે મંગાવી લેજે. હું ખાવા માટે આવી જઈશ. આપડે જોડે બેસીને ખઈશું. હું ચાર મીણબત્તીઓ અને માચીસ બી લેતો આઈશ. આપડે કેન્ડલ લાઈટ ડિનર કરીશું. બોલ, મોસ્ટ રોમેન્ટિક આઇડિયા છે ને !

બકુડી ડાર્લિંગ, આપણા લવની તો શું વાત કરું ! પણ હવે, ભઇબંધની નોટમાંથી ફાડેલું પાનું પતવા આયું છે. એટલે લેટર પુરો કરું છું. અને હા, તારા હિતેષ, મિતેષ અને જિતેષ જેવા બીજા બોયફ્રેન્ડોએ તને જે ગિફ્ટો આપી હોય એમાંથી એકાદ ગિફ્ટ ઉપરથી એનું નામ છેકીને મારું નામ લખી નાંખજે ને !

ચલ બકુડી, રાતે આપડા ફ્લેટના ધાબા ઉપર મલીએ ! હું મીણબત્તી અને માચિસ લેતો આઈશ. તું તારું દિલ લેતી આવજે. લવ યુ.

***

- મન્નુ શેખચલ્લી

Comments