ચીસાચીસ કરતી ન્યુઝ ચેનલો અને સાસ-બહુના કકળાટોવાળી સિરિયલો વચ્ચે અમુક બાબતો સાવ સરખી છે ! જુઓ…
***
જરૂર કિસી કી ચાલ હૈ…
સિરિયલોમા ઘરની ફોઈ, સાસુનો મામો, પતિની એક્સ-ગર્લ ફ્રેન્ડ કે દેરાણી-જેઠાણી કંઈને કંઈ ‘ચાલ ચલતા’ હોય છે !
એ જ રીતે ન્યુઝ ચેનલોમાં કોઈને ‘મોદી કી ચાલ હૈ’ ‘કોંગ્રેસ કા ષડયંત્ર હૈ’ ‘સંઘ કા એજન્ડા હૈ’ ‘શાહિનબાગ કે પીછે કૌન હૈ’… આવી કોન્સ્પિરસી થિયરી ચાલતી જ રહે છે !
***
કાગઝાત કહાઁ હૈં…
સિરિયલોમાં મિલ્કતનાં ‘કાગઝાત’ કાં તો ચોરાઈ જાય છે, કાં તો અદલા-બદલી થઈ જાય છે. અથવા બળજબરીથી એની ઉપર સહી લઈ લેવામાં આવે છે…
ન્યુઝ ચેનલોમાં તો છેલ્લા 60 દિવસથી ‘કાગઝાત’નો જ મામલો ચગ્યો હતો ! CAAના મુદ્દે ‘કાગઝ નહીં દિખાયેંગે’થી શરૂ થયેલી ઝુંબેશ છેવટે તો મતદાર તરીકેના ‘કાગઝાત’ (મતદાર કાર્ડ કે આધારકાર્ડ) બતાડીને જ પુરી થઈ ને !
***
યાદ-દાશ્ત ચલી જાતી હૈ
સિરિયલોમાં કોઈને જરી અમથું માથામાં વાગે એમાં યાદદાશ્ત જતી રહે છે…
ન્યુઝ ચેનલોમાં જરા જુદું છે. અહીં પંદર વીસ દિવસ પહેલાં ‘મોદી કા માસ્ટરસ્ટ્રોક’, ‘અમિત શાહ કા પલટવાર’ ‘કેજરીવાલ ફંસે વિવાદ મેં’ જેવી બૂમો પાડનારા જાણે બધું જ ભૂલી ગયા હોય તેમ રિઝલ્ટ આવ્યા પછી “કૈસે બને કિંગ કેજરીવાર”ના ગાણાં ગાવા લાગે છે !
***
સરાસર જૂઠ હૈ…
સિરિયલોમાં જુઠ્ઠાણાંની ભરમાર હોય છે. બધા પાત્રો એકબીજા ઉપર જુઠ-બોલવાનો ‘ઇલ્ઝામ’ લગાડતા હોય છે…
ન્યુઝ ચેનલોમાં ચર્ચા કરવા બેઠેલા મહાનુભાવોમાં પણ આ જ ચાલતું હોય છે ! ફરક એટલો જ કે સિરિયલમાં સૌ ઊભા-ઊભા ઝગડતા હોય છે જ્યારે અહીં બેઠા-બેઠા બૂમાબૂમ કરે છે !
***
આગે દેખિયે, બડા ખુલાસા..
બન્ને ચેનલોમાં જાહેરખબરના બ્રેક પહેલાં ‘આગે દેખિયે’ અને ‘બડા ખુલાસા’ એવું લખીને કંઈ ચોંકાવનારા ઘટસ્ફોટનો મોટો કોથળો બતાડવામાં આવે છે. પછી સરવાળે કોથળામાંથી કંઈ નીકળતું જ નથી !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment