‘આંધી’ ફિલ્મના એક ગીતમાં સુચિત્રા સેન સંજીવકુમારને કહે છે : ‘ઇસ મોડ સે જાતે હૈં, કુછ સુસ્ત કદમ રખ કે, કુછ તેજ કદમ રાહેં...’
જવાબમાં સંજીવકુમાર કહે છે : ‘પથ્થર કી હવેલી કો, શીશે કે ઘરોંદો મેં, તિનકોં કે નશેમન તક, ઇસ મોડ સે જાતે હૈં.’
હવે સાચું કહો, આમાં આપણે શું સમજવાનું ? યાર, છેલ્લા 30 વરસથીઆ ગીત સાંભળ્યા કરીએ છીએ પણ બન્ને જણા શેનો ‘વાર્તાલાપ’ કરે છે એ હજી સુધી સમજાયું નથી ! અમારું માનવું એવું છે કે બન્ને જણા ગુગલ મેપની સહાય વિના ક્યાંક જવાનો રસ્તો શોધતાં ભૂલાં પડી ગયાં છે !
બહેન કહે છે કે “ભઈ, આ બાજુથી જવાય છે... ધીમા પગલા રાખીને (સુસ્ત કદમ રખ કે ) કોઈ ફાસ્ટ-ટ્રેક રસ્તાઓ (તેજ કદમ રાહેં) પકડી લઈએ તો આ વળાંકથી જવાય છે !”
પણ સંજીવકુમાર કંઈ ભળતો જ રસ્તો બતાડે છે (એ લોકલ ગાઈડ લાગે છે) એ શોર્ટ-કટ બતાડતાં કહે છે “બેન તમારે જે પથ્થરની હવેલીએ જવું છેને, જેમાં કાચના ઘર હોય છેને, એમાં તણખલાંના માળા જોવા હોય ને.. તો આ બાજુથી જવાય છે ! આવતા રહો બેન, ખાલી 100 રૂપિયા આપજો, ઓકે ?”
હવે તમે જ કહો, બિચારાં બેન શું કરે ? એ કન્ફ્યુઝ થઈને છેવટે ભગવાનને એમ જ કહે ને કે “યે સોચ કે બૈઠી હું, ઈક રાહ તો વો હોગી, તુમ તક જો પહુંચતી હૈ !”
ટુંકમાં, બહેન થાકી ગયાં છે, કંટાળી ગયાંછે, કે એક તો આ ભઈ સીધો રસ્તો બતાડતો નથી, ઉપરથી પથ્થરની હવેલી અને કાચનાં ઘરની ભલતી ભલતી વારતાઓ કરે છે ! હવે તો ઉપરવાળો (અર્થાત્ ગુગલ-મેપ) કાં તો કોઈ રસ્તો બતાડે, અથવા ઉપર બોલાવી લે !
ગુલઝાર સાહેબે હિન્દી ફિલ્મો માટે બેશક, અમુક સુંદર અને કાવ્યાત્મક ગીતો લખ્યાં છે પણ એમાં વચ્ચે વચ્ચે એમણે શું લખી નાંખ્યું છે એની કોઈ ‘ગાઈડો’ બજારમાં મળતી જ નથી.
આવું જ એક ગજબનું અટપટું ગીત ‘ઇજાજત’ ફિલ્મનું છે. અરે, ગીત શું, હકીકતમાં તો 'લોસ્ટ એન્ડ ફાઉન્ડ'ની ફરિયાદ છે ! એમાં હિરોઈન લખાવે છે :
‘મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ...’
આટલું સાંભળતાં આપણને પહેલો વિચાર એ જ આવે કે બહેનને ભઈ જોડે બ્રેક-અપ થઈ ગયું છે અને હવે પોતાનો ‘લિવ-ઈન’ વખતનો સામાન પાછો માગી રહી છે. જેમ કે મારા ચાર ટુવાલ, બે હેર-ડ્રાયર અને શિયાળામાં બોડી ઉપર લગાડવાનું વિન્ટર-લોશન... આ બધું તું તારા બાપનું સમજીને વાપરી રહ્યો છે પણ હવે મને પાછું આપી દે. વગેરે વગેરે..
પણ ના બોસ. આ કંઈ જેવી તેવી હિરોઈન થોડી છે ? આ તો ગુલઝાર સાહેબની હિરોઈન છે ! એટલે ફરિયાદમાં લખાવે છે :
“સાવન કે કુછ ભીગે દિન રખે હૈં, ઔર એક ખત મેં લિપટી રાત પડી હૈ, વો રાત બુઝા દો... મેરા વો સામાન લૌટા દો !”
સાલું, જે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હશે ત્યાંનો પોલીસવાળો ય માથું ખંજવાળતો રહી જાય ! યાર, શ્રાવણ મહિનાના ભીના દિવસો એ બાઈએ ક્યાં ઘાલીને રાખ્યા હશે ? એ તો ઠીક, એક પત્રમાં લપેટીને રાખેલી એક ‘રાત’ ક્યાંક પડી છે ! વળી એ રાત તો સાલી હજી ‘સળગી’ રહી છે ! કારણ કે બહેને ખાસ સૂચના આપી છે કે એ રાત હોલવી નાંખજો ! ના હોલવાય તો ફાયર બ્રિગેડથી લાયબંબો મંગાવજો, પણ મારો એ બધો સામાન પાછો અપાવી દો !
એટલું જ નહિ, બહેન ફરિયાદમાં લખાવે છે કે મેં પેલા ભાઈનો અમુક સામાન ઓલરેડી પાછો આપ્યો છે ! જેમ કે... ‘પતઝડ મેં કુછ પત્તોં કે ગિરનેકી આહટ, કાનોં મેં એક બાર પહન કે લૌટાઈ થી !’
કંઈ સમજાયું, બોસ ? કહે છે કે પાનખરમાં જે પાંદડાં ખરવાનો અવાજ હતો, તે કાનમાં થોડા દહાડા બુટ્ટીની માફક પહેરી રાખ્યા પછી મેં તો પાછો આપી દીધો હતો ! પૂછી જુઓ...
- યાર, ગુલઝાર કંઈ એમ ને એમ થવાય છે ? અઘરું છે ભઈ, અઘરું...
***
- મન્નુ શેખચલ્લી
સાહેબ, એમની અમુક કવિતાઓ ખૂબ સરસ હોય છે...!
ReplyDeleteહું પોતે ગુલઝારની કવિતાઓનો ચાહક છું પણ આ એક હાસ્યલેખ છે. એને એ રીતે હળવાશ સાથે લેવો જોઈએ. ધન્યવાદ 🙏
DeleteGulzaar is very imaginative writer and poet, I have read him plenty (off course in original Urdu), to understand him as he use metaphor in his poetry lot.
ReplyDeleteJoke appart Gulzaar poetry as well his prose are finest.
Sir, I am also a great admirer of Gulzar. But this is a light hearted humor article. It needs to be taken lightly !
Delete