ન્યુઝ ઉપર નુક્તેચિની !


ન્યુઝ :

દિલ્હીમાં CAA વિરોધી રેલી ઉપર એક 17 વરસના છોકરાએ ગોળીબાર કરી નાંખ્યો.

નુક્તેચીની :

આ હિસાબે અનુરાગ ઠાકુરને ભાજપ અન્ડર-19 ટીમના કોચ બનાવી દેવા જોઈએ.

***

ન્યુઝ :

ગુજરાતના શહેરોમાં હેલ્મેટ ફરીથી ફરજિયાત.

નુક્તેચીની :

આને કહેવાય, સરકારે લાખો ગુજરાતીઓની ‘ટોપી’ ફેરવી નાંખી !

***

ન્યુઝ :

વુહાન વાયરસને કારણે ચીનમાં વસતા વિદેશીઓ તાબડતોબ પોતાના દેશમાં ભાગી રહ્યા છે.

નુક્તેચીની :

એક વાત તો માનવી પડે, ચીન આખી દુનિયામાં કંઈપણ ‘એક્સ્પોર્ટ’ કરી શકે છે !

***

ન્યુઝ :

સ્ટેન્ડ-અપ કોમેડીયન કુણાલ કાલરાના હવાઈ-પ્રવાસો ઉપર પ્રતિબંધ.

નુક્તેચીની :

કમાલ છે ! ‘સ્ટેન્ડ-અપ’ કોણ હતું અને બેઠેલું કોણ હતું ? ‘કોમેડી’ કોણે કરી અને ‘ટ્રેજેડી’ કોની થઈ ગઈ ?

***

ન્યુઝ :

ભાગી ગયેલા વેવાઈ-વેવાણ પાછાં આવી ગયાં છે.

નુક્તેચીની :

છતાં સાંભળજો, લગ્ન-સિઝન હજી પતી નથી !

***

ન્યુઝ :

ન્યુઝિલેન્ડ વધુ એક મેચ સુપર-ઓવરમાં હારી ગયું.

નુક્તેચીની :

હાર-જીત છોડો, જોવાનું એ છે કે લગભગ જીતાઈ ગયેલી મેચને છેક ‘ટાઈ’ સુધી લઈ જવામાં આજે ન્યુઝિલેન્ડ વર્લ્ડ-ચેમ્પિયન છે !

***

ન્યુઝ :

દિલ્હીમાં 7 ફેબ્રુઆરીએ મતદાન છે.

નુક્તેચીની :

પ્રચારના ઝનૂન ઉપરથી તો એવું જ લાગે છે કે હવે દિલ્હીવાસીઓ જ નક્કી કરશે કે CAAનું શું કરવાનું છે !

***

- મન્નુ શેખચલ્લી

Comments