અમદાવાદ શહેરમાં ષ્વાનોની સંખ્યા કૂદકે અને ભૂસકે વધી રહી છે. દેશનું વાતાવરણ જોતાં નેતાઓની સંખ્યામાં પણ ઘટાડો તો થવાનો જ નથી !
આજકાલના ઘોંઘાટિયા માહૌલમાં નેતાઓ અને ષ્વાનોની સરખામણીમાં હળવા દિલથી કરી લેવા જેવી છે !...
***
બન્નેમાં એવું છે કે એક ભસે કે તરત બીજાં ડઝનબંધ ભસવા જ માંડે !
***
બન્નેની એવી ટેવ છે કે એકવાર ભસવાનું શરૂ કરે પછી આસાનીથી બંધ જ નથી થતા !
***
બન્નેનું એવું છે કે ભસવાનું શરૂ કરી પછી પોતે જ ભૂલી જાય છે કે પોતે કયા કારણસર (અથવા કયા વિષય ઉપર) ભસતા હતા !
***
લાભ મળતો હોય તો બન્ને તરત જ પૂંછડી પટપટાવવા માંડે છે !
***
બે જ મિનિટ પહેલાં જેની સામે જોરજોરથી ભસતાં હોય તેના તરફથી રોટલો ફેંકાય કે તરત પૂંછડી પટપટાવતા થઈ જાય છે !
***
ગમે એટલું જોર બતાડતા હોય પણ બન્નેની પોતપોતાની લિમિટ હોય છે. બન્ને પોતપોતાની ગલીમાં જ શેર હોય છે !
***
જે રીતે ષ્વાનની પૂંછડી હંમેશાં વાંકી જ રહે છે તે રીતે નેતાની અમુક આદતો કદી બદલાતી નથી !
***
બન્ને પોતાની જ ટોળકીનાં સભ્યો સાથે ઝગડવાનું અને વડચકાં ભરવાનું કદી ચૂકતા નથી !
***
શરીરમાં માંદલા હોય તેવા શ્વાનો તથા નેતાઓ હંમેશાં વધારે મોટા અવાજે ભસતા હોય છે !
***
બસ, ફરક હોય તો તે એટલો જ છે કે ષ્વાનો એકાદ માનવીને તો વફાદાર હોય જ છે… નેતાઓનું એવું નહીં !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment