આજકાલ NRIની સિઝન છે. વિદેશોમાં રહેતા ભારતીયોને શુધ્ધ ગુજરાતીમાં ‘પ્રવાસી ભારતીય’ કહે છે.
બીજી તરફ ‘ભારતીય પ્રવાસી’ હોય છે. એમને આખી દુનિયામાં ફરવાનો (ટુર કરવાનો) શોખ છે.
હવે જુઓ, આ બન્નેમાં ખાસ્સો ફરક છે…
***
‘પ્રવાસી ભારતીય’ જ્યાં જાય ત્યાં પોતાનું પાણી (મિનરલ વોટર) પોતાની સાથે રાખે છે…
પરંતુ ‘ભારતીય પ્રવાસી’ જ્યાં જાય છે ત્યાંની ગલીઓમાં, ગલીઓના ખૂણાઓમાં કે દિવાલોના પાછળના ભાગમાં ‘પોતાનું પાણી’ (સ્વમૂત્ર) છાંટી આવે છે !
***
‘પ્રવાસી ભારતીય’ જ્યાં જાય ત્યાં પોતાના વોલેટ (પર્સ) વડે ત્યાંની હોટલોના ‘ભાવ’ બગાડી મુકે છે…
જ્યારે ‘ભારતીય પ્રવાસી’ જ્યાં જાય ત્યાં પોતાના નાસ્તાના ડબ્બામાં રાખેલા થેપલાં, ઢોકળાં અને ચટણી-અથાણા વગેરે ખાધા પછી હોટલની ‘હવા’ બગાડી મુકે છે.
***
‘પ્રવાસી ભારતીય’ પોતાનાં સગા-વ્હાલાંને મળવા માટે લાંબો પ્રવાસ કરે છે…
જ્યારે આપણો ‘ભારતીય પ્રવાસી’ પોતાનાં સગાં વ્હાલાંનાં કકળાટમાંથી ભાગી છૂટવા માટે આખી દુનિયાનો પ્રવાસ કરી નાંખે છે !
***
‘પ્રવાસી ભારતીય’ને ‘સિઝન’માં રસ હોય છે…
આપણા ‘ભારતીય પ્રવાસી’ને ‘સિઝન પાસ’માં રસ હોય છે !
***
‘પ્રવાસી ભારતીય’ અમેરિકામાં રહેતો હોય છતાં અમેરિકા વિશે ખાસ કંઈ બોલતો નથી…
પણ ‘ભારતીય પ્રવાસી’ એક વાર અમેરિકા જઈ આવે તો બે મહિના લગી ‘અમેરિકા અમેરિકા…’ જ કર્યા કરશે ! તમે જોજો.
***
- મન્નુ શેખચલ્લી
Ironically true!!
ReplyDelete