વૈકલ્પિક NRC પ્રષ્નાવલિ !


અમુક લોકો એવી કલ્પનાથી ડરી રહ્યા છે કે જ્યારે NRC શરૂ થશે ત્યારે એમને ‘જનગણમન’ કે ‘વંદેમાતરમ્’ પૂછવામાં આવશે !

અમને પણ NRC વિશે કલ્પનાઓ આવે છે પરંતુ અમને શાંતિ છે કે NRCના પ્રશ્નો કંઈક આવા સહેલા હશે...

***

શું તમારે ક્યારેય કોઈ કારણસર લાંચ આપવી કે લેવી પડી છે ખરી ?

- તો તમે જરૂર આ દેશના નાગરિક છો !

***

શું તમે ક્યારેય જાહેર રસ્તામાં થૂક્યાં નથી ? ક્યારેય સડક ઉપર કચરો ફેંક્યો નથી ? કદી કોઈ ખૂણામાં ગંદકી પણ નથી કરી ?

- ના??? તો કદાચ તમે આ દેશના નાગરિક નથી ! ઊભા રહો, તમારે થોડા પ્રશ્નોના જવાબ આપવા પડશે...

***

શું તમે ક્યારેય કોઈ ટ્રાફિક રૂલનો ભંગ નથી કર્યો ? નો એન્ટ્રીમાં એન્ટ્રી પણ નહીં ? નો પાર્કિંગમાં પાર્કિંગ પણ નહીં ?

- ના ??? એક મિનિટ, તમે કયા દેશમાંથી આવ્યા છો ?

***

શું તમે કોઈ લાભ ખાતર અથવા ટેક્સમાંથી બચવા માટે તમારી આવક ક્યારેક તો ઓછી બતાડી હશે ને ?

- હા ને ?... તો તો તમે આ દેશના નાગરિક છો જ ! વેલકમ !

***

શું તમે અમસ્તી વાતચીતમાં પણ ‘આ સરકાર તો સાવ રેઢિયાળ છે’ એવી ફરિયાદ કરી જ નથી ?

- કરી છે ને ! મતલબ કે તમે આ દેશના નાગરિક છો !

***

શું તમે વોટ આપીને કદી પસ્તાયા નથી ?

- જો તમારો જવાબ ‘હા’ હોય તો તો તમે આ દેશના નાગરિક છો જ !

- અને જો કદી પસ્તાયા નથી તો તો ચોક્કસ નાગરિક થવાને ‘લાયક’ છો ! (જોયું ? કેવો ટ્રિક ક્વેશ્ચન હતો !)

***

“વિદેશમાં તો કેટલું સારું છે અને અહીં તો બધું બેકાર છે”... શું તમને આવું લાગે છે ?

- હા ?? વાહ વાહ ! તો તો તમને ભારતનો ‘પાસપોર્ટ’ મળવો જોઈએ, જેથી તમે તાત્કાલિક વિદેશ રવાના થઈને અમારા માનવંતા NRI બની શકો ! ધન્યવાદ.

***

- મન્નુ શેખચલ્લી

Comments