CAB અને CAA પછી સોશિયલ મિડીયામાં ખળભળાટ મચી ગયો છે. દેશના ભાગલા પડી જવાની દહેશત સાચી પડે કે ના પડે, વોટ્સેપ વાપરનારાઓમાં તો વિવિધ ‘વિભાગો’ ઊભા થઈ જ ગયા છે ! જુઓ…
દેશપ્રેમી જ્ઞાની વૉટ્સેપિયા
એમને હજી GSTનો કાયદો સરખી રીતે સમજાયો નથી પણ CAA કાનૂન પગથી માથા લગી સમજાઈ ગયો છે ! આ જ્ઞાનીઓ CAAનો સ્હેજપણ વિરોધ કરનારને અજ્ઞાની અને દેશદ્રોહી માને છે.
(વળી, કોઈને પણ દેશદ્રોહી કહેવાથી પોતે ઓટોમેટિક રીતે દેશપ્રેમી બની શકાય છે તેની તેમને ખબર છે.)
વિરોધી ભયભીત દેશપ્રેમી વૉટ્સેપિયા
આ લોકો હજી હમણાં હમણાં જ ‘જનગણમન’ ગાતાં શીખ્યા છે. એટલે દેશપ્રેમી તો કહેવાય જ. પરંતુ જે ‘મૂળ દેશપ્રેમીઓ’ છે તેઓથી આ ‘નવા દેશપ્રેમીઓ’ ભયભીત છે.
આ વૉટ્સેપિયા લોકો પણ CAAને સમજી ગયા છે. અરે, એટલી હદે સમજી ગયા છે કે જે રીતે સિરિયલની વહુઓ એમની સાસુઓની 'ચાલને' સમજી જાય છે.
ઈન્ટેલેક્ચ્યુઅલ વૉટ્સેપિયા
આવા લોકો વૉટ્સેપનો ઉપયોગ માત્ર ‘લિન્ક’ મોકલવા માટે કરે છે. જેમાં ટ્વીટરના 100 શબ્દોવાળું કોઈ ભેદી સુવાક્ય હોય અથવા કોઈ બ્લોગના 3500 શબ્દોવાળો, ન સમજાય તેવા શબ્દોથી ભરેલો પ્રચંડ લેખ હોય છે.
ઈતિહાસખોદુ વૉટ્સેપિયા
આ લોકો સદીઓ પુરાણો ઇતિહાસ ખોદી લાવે છે.
ઝીણા શું બોલ્યા હતા, મનમોહનસિંહે શું કહ્યું હતું, 1947માં પાકિસ્તાનમાં કેટલા હિન્દુ હતા, આજે કેટલા છે, ચાણક્યએ ચંદ્રગુપ્તને ઘૂસણખોરો બાબતે શી સલાહ આપી હતી. (એના તો વિડીયો દસ્તાવેજ છે!) તથા દસ હજાર વરસથી આપણે ઘૂસણખોરોને કેટલા લાડ લડાવતા આવ્યા છીએ.. વગેરે વગરે…
પોલીસપ્રેમી વૉટ્સેપિયા
આ વૉટ્સેપિયાઓને અચાનક પોલીસ માટે પ્રેમ ઉભરાઈ આવ્યો છે. જોકે આ પ્રેમ 'પાટીદાર અનામત'નાં તોફાનો વખતે કે 'પદમાવત' ફિલ્મના વિરોધમાં કરેલી તોડફોડ વખતે ક્યાં હતો તે હજી પેલા ઇતિહાસખોદુઓએ શોધવાનું બાકી રાખ્યું છે.
ઈન્ટરનેશનલ હવાલા વૉટ્સેપિયા
એક તો પોતે NRI છે એટલે વિદેશમાં બેઠાં બેઠાં દેશની તમામ બાબતોમાં એમને સલાહ આપવાનો હક મળી ગયો છે એમ માનીને આપણને વણમાગી સલાહો આપે છે.
સાથે સાથે બીજા એવા વૉટ્સેપિયા છે જે પાકિસ્તાનના ટીવીમાં શું બોલાયું, જર્મન એક્સ્પર્ટે શું કીધું, બ્રિટીશ સાંસદ શું માને છે અને ઓસ્ટ્રેલિયાનાં વિદેશમંત્રી શું બોલ્યાં હતાં તેના વિડીયો - હવાલા ભારતમાં મોકલી આપે છે.
ડબલ ઢોલકી વૉટ્સેપિયા
આવા વૉટ્સેપિયા એક ગ્રુપમાં CAAનો વિરોધ કરે છે અને બીજા ગ્રુપમાં તેની ફેવર કરે છે.
મજાની વાત એ છે કે અમુક ડબલ ઢોલકી વૉટ્સેપિયાઓ ફેવરવાળા ગ્રુપમાં વિરોધવાળી પોસ્ટ અને વિરોધવાળા ગ્રુપમાં ફેવરની પોસ્ટનાં ભજીયાં મુકીને પોતે ‘હળી’ કરવાનો નિર્દોષ આનંદ લેતા હોય છે.
સંસારથી અલિપ્ત વૉટ્સેપિયાં
આટલી બધી શાબ્દિક કાપાકાપી, મારામારી, તલવારબાજી અને તોપમારા વચ્ચે અમુક વૉટ્સેપિયા એવા છે જે બિચારા આ ઘમાસાણો વચ્ચે પત્નીની જોક્સ, દારૂની શાયરી, અડદિયાપાકની રેસિપી, મેથીનાં ફાયદા, મેરી ક્રિસમસ અને સોરાયસિસ મટી શકે છે એવા મેસેજો મુકતા રહે છે.
(બાય ધ વે, સોરાયસિસ એટલે ટાળી ન શકાય એવી ‘ખંજવાળ’ હોં !)
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment