એક કાકા પોતાનું ઠાઠીયું સ્કુટર લઈને કાકીને મંદિરના દર્શન કરાવવા લઈ ગયા. મંદિરમાં લાંબી લાઈન હતી. દર્શન કરતાં કલાક નીકળી ગયો.
બન્ને બહાર નીકળ્યાં ત્યારે ભૂખ લાગી હતી. નાસ્તો કરવા માટે એક રેસ્ટોરન્ટમાં ગયા. ત્યાં બેસીને ગાંઠીયા-પાપડી ખાધી. ત્યાર બાદ કાકાએ પોતાના ઠાઠીયા સ્કૂટરને કીક મારી. કાકી પાછલી સીટ ઉપર બેઠાં. સ્કુટર ઠચૂક ઠચૂક ચાલવા માંડ્યું.
પંદરેક મિનિટ પછી પાછલી સીટ ઉપર બેઠેલા કાકીને એકદમ યાદ આવ્યું : “ હાય હાય ! સાંભળો છો ? મારા ચશ્મા તો રેસ્ટોરન્ટમાં જ રહી ગયા !”
કાકા બગડ્યા. એ લવારો કરવા લાગ્યા : “તમારો આ જ ત્રાસ છે. કશું યાદ રાખતાં નથી.. હવે આ એક ચશ્મા ભૂલી ગયા એમાં કેટલો લાંબો ફેરો થશે, ખબર છે ?”
કાકી કહે “હા, પણ ચશ્મા વિના કેમ ચાલશે ?”
“તમારે યાદ રાખવું જોઈએ ને ? આ વન-વે છે. આપણે છેક દોઢ કિલોમીટર આગળ જઈશું ત્યારે વળવા મળશે... એમાંય વળી એ રોડ ઉપર ખોદકામ ચાલે છે... ત્યાં ડાયવરઝન આપેલું છે. એટલે ગલીમાં વળીને જવું પડશે. પાછા મેઈન રોડ ઉપર આવતાં પહેલાં અડધા કિલોમીટરનો ફેરો છે... તમારે તો બસ કહેવું છે... ચશ્મા રહી ગયા..”
“હા ભૈશાબ, પણ ચશ્મા પાછા તો લાવવા પડશે ને ?”
“તમારા ચશ્મા આમે ય ઘસાઈ ગયેલા છે. કોઈ ચોરી જવાનું નથી. પણ યાદ રાખવું જોઈએ ને ? અહીં કેટલું પેટ્રોલ બળી જશે.. કેટલો ટાઈમ બગડશે.. જરાક તો યાદ રાખો ?”
“હા ભૈશાબ, ભૂલી ગઈ...”
“યાદ શક્તિ ઘસાતી જાય છે... એવી ખબર છે. તો ઊભા થતાં પહેલાં ચીજ-વસ્તુઓ તપાસી લેવાની ટેવ રાખતા હો તો ?”
કાકા આખા રસ્તે બબડતા રહ્યા.
છેવટે પેલી રેસ્ટોરન્ટ આવી એટલે કાકાએ સ્કુટર ઊભું રાખતાં કહ્યું :
“જરા જોજો, ત્યાં ટેબલની સાઈડમાં મારા દાંતનું ચોકઠું રાખવાનો ડબ્બો પડ્યો હશે...”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment