સાંઈઠ વરસના મગનલાલ છેક જુનાગઢથી અમદાવાદમાં રહેતા છગનલાલને મળવા માટે એસટી બસમાં બેસીને આવ્યા હતા.
બસમાંથી ઉતરીને તે રીક્ષા કરીને એક પોળના નાકે પહોંચ્યા. ત્યાં જઈને એમણે ખિસ્સામાંથી સરનામાની ચીઠ્ઠી કાઢી. નજીકમાં ઊભેલા એક ટેણિયાને પૂછ્યું :
“અલ્યા, આ છગનલાલ ક્યાં રહે છે તે ખબર છે ?”
“કયા છગનલાલ ? પેલા જાડા ચશ્માવાળા ? જેને આંખે બરાબર દેખાતું નથી અને કાને કંઈ સંભળાતું નથી એ ? જરા આગળથી વાંકા વળીને ચાલે છે…”
“હા હા, એ જ ! ક્યાં છે એમનું ઘર ?”
“ચાલો બતાડું.”
ટેણિયો મગનલાલને પોળમાં લઈ ગયો. પોળ સાંકડી હતી. એક સાઈડે સ્કુટરો પાર્ક કરેલા હતાં. બીજી સાઈડે સાઈકલો હતી. વચમાં ક્યાંક ક્યાંક ગાય નડી જતી હતી.
ટેણિયો મગનલાલને ચાલતો ચાલતો અંદર લઈ ગયો. અંદર જમણી બાજુ એક ગલી હતી. ગલીમાં આઠ-દસ કૂતરાં બેઠાં હતાં.
મગનલાલને જોતાંની સાથે કૂતરાં ભસાભસ કરવા લાગ્યા. મગનલાલ ગભરાઈ ગયા. ટેણિયો કહે :
“ચિંતા ના કરો. આપણે બીજી ગલીમાંથી જઈશું.”
ટેણિયો મગનલાલને બીજી ગલીમાં લઈ ગયો. અહીં વચ્ચે વચ્ચે છાણના પોદળા હતા. એમાંથી વાંકાચૂકા થઈને ચાલવું પડતું હતું.
બીજી ગલીમાંથી ત્રીજી ગલીમાં, ત્રીજી ગલીમાંથી ચોથી ગલીમાં, ચોથી ગલીમાંથી પાંચમીમાં એમ ચાલતાં ચાલતાં 60 વરસના મગનલાલ થાકી ગયા. ટેણિયો કહે :
“બસ, હવે થોડુંક જ આગળ છે.”
છેવટે એક ડેલું આવ્યું. ડેલામાં એક જુના મકાનના અંધારિયા ખૂણામાં ઉપર જવા માટેના દાદારનાં પગથિયાં હતાં. ટેણિયો મગનલાલને ત્રીજે માળે લઈ ગયો. ત્યાં એક ખોલીનો ખખડધજ દરવાજો બતાડીને કહે છે :
“લો, આ રહ્યું છગનલાલનું ઘર.”
“પણ આ તો બંધ છે. બહાર તાળું છે ! છગનલાલ ક્યાં છે ?”
“કેમ ? તમારે એમનું શું કામ છે ?”
“કેમ વળી શું ? મારે છગનલાલને મળવાનું છે !”
“તો પહેલેથી કહેવું જોઈએ ને ? છગનલાલ તો ત્યાં પોળના નાકે પાનના ગલ્લા પાસે જ ઊભા હતા !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment