ક્યાં છે એ ડાઈ-હાર્ડ ક્રિકેટ પ્રેમીઓ?


એક જમાનામાં જ્યારે આટલા બધાં ટીવી નહોતા ત્યારે જો ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ હોય તો આખો માહોલ એવો થઈ જતો હતો કે જાણે હમણાં ‘સિવિલ-વોર’ ફાટી નીકળશે !

મુસ્લિમ મહોલ્લાઓમાં વચ્ચેના ચોગાનમાં એક મોટું ટીવી ગોઠવીને કનેક્શન મોટાં સ્પીકરોમાં લગાડવામાં આવતું. ચારેબાજુ પાકિસ્તાની ક્રિકેટરોના મોટા મોટા ફોટા લગાડવામાં આવતા અને દરેક પાકિસ્તાની ચોગ્ગા-છગ્ગા ઉપર તાળીઓના ગડગડાટ કરતું ટોળું પાગલ બનીને નાચવા લાગતું !

તે વખતે ‘દેશભક્તો’ની સંખ્યા ઓછી હતી અથવા તો આજે જે લોકો દેશભક્તો છે તેમનો કદાચ જન્મ જ થયો નહોતો. જે હોય તે, પરંતુ માહોલ એવો થઈ જતો કે જો એકાદ કાંકરીચાળો કરવામાં આવે તો રમખાણો ફાટી નીકળે. બિચારી પોલીસની પણ ડ્યૂટી ‘ધર્મસંકટ’થી ઓછી નહોતી.

આજે તો આખું વાતાવરણ જ ફીક્કું થઈ ગયું છે. એક તો પાકિસ્તાન જોડે ઈન્ડિયાની મેચ વરસમાં એકાદ-બે વાર જ આવે છે, અને આવે ત્યારે પાકિસ્તાન બિચારું હારી જ જાય છે ! પાકિસ્તાન છોડો, આ વિરાટ કોહલી કેપ્ટન બન્યો પછી તો યાર, જીત-જીત જ કરે છે ! આમાં ને આમાં જીતવાની આખી મઝા જ મરી ગઈ છે. જુઓને, બિચારી શ્રીલંકાની ટીમ ફરી એકવાર ભારતમાં હારવા માટે આવી ગઈ છે ! આવી મેચો જોઈને શું ઉકાળવાનું ?

મઝા તો એ વખતે આવતી હતી જ્યારે ‘કપિલદેવ સારો કે ગાવસ્કર સારો’ એ વાતે ભાઈબંધોમાં ઝગડા થઈ જતા હતા. ચાના ગલ્લે જે બે દોસ્તો એક જ કપમાંથી અડધી અડધી ચા પીવા બેઠા હોય એ જ બે દોસ્તો પોતપોતાના હાથમાં કપ અને રકાબી ઉગામીને લગભગ તલવારબાજી સુધી પહોંચી જતા હતા. એમાંય જ્યારે ભારતની ટીમ વિદેશમાં શરમજનક રીતે હારીને પાછી આવે તો લોકો છેક એરપોર્ટથી એમના ઘર સુધી પથ્થરમારો કરવા ધસી જતા હતા. આવો હતો એ જમાનાનો દેશપ્રેમ !

જ્યારે આજે ? આ વિરાટ કોહલીએ જીતમ્‌જીતી મચાવીને આપણું ઝનૂન જ તોડી નાંખ્યું છે. એ લોકો જીતીને એરપોર્ટ ઉપર ઉતરે ત્યારે શું આપણે ટોળામાં ધસી જઈને એમને છૂટ્ટાં ગલગોટાનાં ફૂલો મારવાનાં ? બિચારા ધોનીએ છેક દસેક વરસ પહેલાં આપણને એના રાંચીના ઘર ઉપર પથ્થરમારો કરવાનો ચાન્સ આપેલો. એ પછી આપણા ક્રિકેટ-ઝનૂનને ‘કાટ’ ચડી ગયો છે. જાગો ક્રિકેટપ્રેમીઓ, જાગો !

બેસ્ટ સમયગાળો તો ત્યારે હતો જ્યારે અઝહરુદ્દીન કેપ્ટન હતો. આહાહા… આખા વરસમાં સૌથી વધુ મેચો ભારત-પાકિસ્તાનની જ થતી હતી ! એમાંય હાર-જીતનો રેશિયો 48-52 અથવા 52-48નો જ રહેતો હતો. ટુંકમાં આપણે અડધો અડધ મેચો હારતા હતા ! છતાંય તમે આપણો દેશપ્રેમ જુઓ કે કોઈ માઈના લાલે અઝહરુદ્દીનને ‘દેશદ્રોહી’ કહ્યો નહોતો ! કારણ કે વાત ધર્મની હતી જ નહીં, વાત તો ‘દેશ’ની હતી !

અને આજે ? ધારીએ એની ઉપર આપણે સોશિયલ મિડીયામાં તીડનાં ટોળાની માફક તૂટી પડી શકીએ છીએ, પણ યાર ‘ટ્રોલિંગ’ને લાયક એકેય ક્રિકેટર જ ક્યાં છે ?

એક સમય એવો હતો જ્યારે ‘ભારત પાસે કપિલદેવ સિવાય બીજો કોઈ ફાસ્ટ બોલર કેમ નથી?’ એવા વિચારે અમને આખી આખી રાત ઊંઘ નહોતી આવતી. અમને પડખાં ઘસતાં જોઈને અમારી પત્નીઓને શંકા થતી હતી કે મૂઓ કઈ રૂપાળીની યાદમાં આટલો તરફડે છે ?

આજે આપણી પાસે વર્લ્ડમાં બેસ્ટ ગણાય એવા પાંચ પાંચ ફાસ્ટ બોલરો છે એટલે નિરાંતે ઊંઘ આવી જાય છે. કોઈ રૂપાળીના વિરહમાં તો છોડો, છેક વેસ્ટ ઇન્ડિઝમાં મેચ રમાતી હોય તો પણ રાતના અગિયાર વાગતામાં તો ટીવી બંધ કરીને ઊંઘી જઈએ છીએ કે “બોસ, જીતવાના જ છીએ ને?”

હવે તો એક જ ઉપાય છે કે વિરાટ કોહલી, રોહિત શર્મા વગેરેની રૂપાળી પત્નીઓ ઘરમાં ઝગડા કરીને એમનો પરફોર્મન્સ બગાડે ! છેવટે રવિ શાસ્ત્રીની વાઈફે તો કંઈક હલાડું કરવું જ જોઈએ. શું કહો છો ?

e-mail : mannu41955@gmail.com

- મન્નુ શેખચલ્લી

Comments