‘શબ્દ’ની તાકાત વધારે છે ? કે ‘કર્મ’ની ? કંઈ ‘કહેવાથી’ ફેર પડે છે ? કે કંઈ ‘કરવાથી’?...
આજકાલ એવી ઘટનાઓ બની રહી છે કે વિચારમાં પડી જવાય !
***
જ્યારે ઇમ્ફાલમાં સળંગ 130 દિવસ સુધી રસ્તાઓ બ્લોક ‘કરી’ દીધા હતા. ગેસના બાટલા સુધ્ધાં જવા દેતા નહોતા એવી હાલત ‘કરી’ નાંખી હતી ત્યારે શું થયું ?.... ‘વાટાઘાટો’ ચાલી રહી હતી !
અને હાલમાં એક વિદ્યાર્થી નેતાએ આસામના રસ્તાઓ બ્લોક કરી દેવાની ‘વાત કરી’… તો એની ધરપકડ થઈ ગઈ !
***
કંઈ કેટલાય બળાત્કારો થઈ ગયા… હજી પણ થતા રહે છે. બળાત્કારીઓ દુષ્કર્મ ‘કરી નાંખે’ છે… પછી શું થાય છે ? કોર્ટોમાં કેસ ચાલતા રહે છે, તારીખો પડતી રહે છે, દયાની અરજીઓ થતી રહે છે…
પણ કોઈ નેતાએ એમ ‘કહ્યું’ કે ફલાણી જગાએ ભેગી થયેલી ભીડ તમારા ઘરોમાં બળાત્કારો કરશે… તો ‘કહેતાંની સાથે’ કેવો હંગામો મચી ગયો !
***
દેશભરમાં વિક્રુત લોકો છોકરીઓ ઉપર, મહિલાઓ ઉપર એસિડ એટેક 'કરતા' રહે છે. એક લક્ષ્મી અગ્રવાલનો કિસ્સો ન્યાય મેળવતાં મેળવતાં હાંફી ગયો… એસિડ એટેક ‘કરનારાઓ’ હજી બિન્દાસ છે.
પણ એક દિપિકા પાદુકોણ JNUમાં જઈને ફક્ત એટલું ‘કહી’ આવી કે, ‘કેમ છો, મઝામાં, તબિયત સાચવજો હોં…’ એમાં તો એની ફિલ્મનો બહિષ્કાર થઈ ગયો ! હોહા મચી ગઈ !
***
છેલ્લાં 40 વરસથી ડોકટરો, એન્જિનિયરો, આઈટી એક્સ્પર્ટો દેશ છોડી છોડીને વિદેશોમાં સ્થળાંતર ‘કરી’ ગયા છે… છતાં કોઈને કશી ચિંતા નથી.
પણ આમિર ખાને એકવાર માત્ર એટલું જ ‘કહ્યું’... કે દેશ છોડીને ક્યાંક જતા રહેવાનો વિચાર આવે છે… ત્યાં તો ચાર મહિના લગી સોશિયલ મિડિયા ગાજતું રહ્યું !
***
કાશ્મીરમાંથી બે લાખ પરિવારોને રાતોરાત વતનમાં કાઢી મુકવાનું કારસ્તાન ‘કરી’ નાંખવામાં આવ્યું… હજી કંઈ ઉકેલ આવ્યો ?
પણ સરકારે જ્યાં ‘કહ્યું’… કે ઘૂસણખોર બાંગ્લાદેશીઓને નાગરિકત્વ નહીં મળે… એમને કાઢી મુકવા પડશે... એમાં તો દેશમાં છેલ્લા 50 દિવસથી જે ધડબડાટી મચી છે !
- હવે સમજ્યા ? આ દેશમાં કશું ‘કરવાથી’ કંઈ નહિ થાય, જે થશે છે તે ‘કહેવાથી’ જ થશે ! જીભ ઝિન્દાબાદ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment