‘પાકિસ્તાને ફરી કાશ્મીર રાગ આલાપ્યો…’ એવું આજકાલ ખાસ સાંભળવા મળતું નથી. બીજી તરફ ભારતમાં જ નવા રાગોની શોધ થઈ છે…
***
રાગ ‘યવન’ કલ્યાણ
જે લોકો મૂળ ભારતીય નથી પરંતુ ‘યવન’ યાને કે બીજા ધર્મના છે તેમના ‘કલ્યાણ’ માટે આ રાગ તીવ્ર સપ્તકમાં ગવાઈ રહ્યો છે. મોટે ભાગે આ રાગ ટીવીની ન્યુઝ ચેનલોમાં ગાવાનો હોય છે. સાંભળવામાં અતિશય કર્કશ લાગતો આ રાગ અમુક જ્ઞાનીઓને ખુબ જ ‘કલ્યાણકારી’ લાગે છે.
***
રાગ તોડી-‘ફોડી’
આ સડકો ઉપર ગવાતો રાગ છે. આમાં આલાપની જગ્યાએ ચીસો અને તબલાંની જગ્યાએ પથ્થરો મારવાના હોય છે. એકાદ બસ અથવા પોલીસવાન સળગાવ્યા પછી જ આ રાગની સમાપ્તિ થાય છે.
***
રાગ દેશ-‘ભક્તિ’
આમાં ‘મિલે સુર મેરા તુમ્હારા’ એવું લગભગ ધમકીના સ્વરમાં ગાવાનું હોય છે. સામેવાળાનું ગળું બરોબર ટ્યૂનિંગમાં છે કે નહીં તે જાણવા માટે તેની પાસે ‘જનગણમન’ ગવડાવવાનો રીવાજ છે. ક્યારેક નેતાઓની પરીક્ષા લેવા માટે જ્યારે આખું ‘વંદેમાતરમ્’ પૂછવામાં આવે છે ત્યારે રીઢા ગવૈયાઓ જુદી જુદી તાન લલકારવા માંડે છે.
***
રાગ જોગ-‘વાઈ’
આ માત્ર શાસ્ત્રીય નહીં પરંતુ ‘ધારા-શાસ્ત્રીય’ રાગ છે. આમાં બંધારણની વિવિધ ‘જોગવાઈ’ ઉપર લાંબી લાંબી તાન ખેંચવાની હોય છે. સમજવામાં અતિ કઠીન એવા આ રાગને સમજાવનારાઓ ‘જોગવાઈ’ને બહુ પવિત્ર માને છે.
***
રાગ ‘સોટી’-ઝિંઝોટી
આ રાગ માટે ખાખી વસ્ત્રો ધારણ કરવાં જરૂરી હોય છે. વાજિંત્રોમાં મુખ્યત્વે લાઠી જ હોય છે. ક્યારેક તેમાં ટિયરગેસનું સંવેદનશીલ વાદ્ય ઉમેરાય ત્યારે શ્રોતાઓની આંખો આંસુથી ભીની ભીની થઈ જાય છે ! છતાં આને અમુક જાણકારો બહુ કઠોર રાગ કહે છે.
***
રાગ કાફી-‘નહીં’
બિચારી પ્રજા બારે માસ આ રાગ ગાતી જ હોય છે, પરંતુ સરકાર રાગ ‘કાફી-હૈ’ ગાયા કરે છે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment