દાઢમાં ફસાયેલી ધાણાદાળ !


એ લીસ્સી હોય છે, ગોરી હોય છે, નાજુક હોવા છતાં કકરી હોય છે. થોડી ક્ષણો માટે દાંત વચ્ચે ‘કુડુમ કુડુમ’ કરીને ચાવવાથી તમને એક જાતની થ્રિલ મળે છે પરંતુ જ્યારે એ તમારી દાઢમાં ફસાઈ જાય છે ત્યારે તમારી રીસાયેલી પત્ની, રૂઠેલી મહેબૂબા અને કચકચીયણ સાસુ કરતાં ય વધારે ત્રાસ આપે છે.

જેની દાઢમાં ધાણાની દાળ માત્ર ત્રણ દિવસ માટે ધામા રાખીને નફ્ફટ ભાડૂઆતની જેમ રહી ચૂકી હોય તેને જ ખબર છે કે આ પીડા શું છે ? 

માણસ દહાડામાં પચ્ચીસ વાર એની ફેસબુકમાં ડોકીયું કર્યા વિના રહી શકે, રસાકસીભરી મેચમાં છેલ્લી ઓવરમાં છ રન કરવાના હોય ત્યારે ટીવીમાં છેલ્લો બોલ જોયા વિના રહી શકે. અરે, કોઈએ તમારા મોબાઈલમાં ‘પેલી ટાઈપ’ની ક્લિપ મોકલી હોય તો પત્ની આઘી જાય ત્યાં સુધી સંયમ રાખીને બેસી શકે... પણ જેની દાઢમાં ધાણાની દાળ ફસાઈ હોય એ બિચારો દિવસમાં દોઢસો વાર ત્યાં જીભ ઘૂસાડ્યા વિના રહી શકતો નથી.

જોવાની મુરખાઈ એ છે કે દિવસમાં દોઢસો વાર ત્યાં દાઢના ખૂણામાં જીભ ઘૂસાડવાથી કંઈ એ ધાણાદાળ ત્યાંથી ખસવાની પણ નથી ! જેમ જેમ કલાકો વીતે તેમ તેમ ત્યાં પડી પડી દેશની મોંઘવારીની માફક વધતી રહે છે. સમય જતાં એ ધાણાદાળ તમારી દાઢમાં બિલકુલ પેલા બાંગ્લાદેશી ઘૂસણખોરની માફક જામી પડે છે કે તમારે એને કાઢી મુકવા માટે રીતસરની એકાદ ‘ઝુંબેશ’ ચલાવવી પડે છે !

આવી ઝુંબેશો ક્યારેય સહેલી નથી હોતી. શરૂ શરૂમાં તમને લાગે છે કે મોં પહોળું કરીને અંદર અંગૂઠો કે આંગળીનો નખ ખોસવાથી એ નીકળી જશે, પણ ના, તમારો અંગૂઠો તમારા બાળપણના અંગૂઠા ચૂસવાના દિવસો યાદ આવી જાય એટલી હદે ભીનો અને પોચો થઈ જશે, પણ પેલી ધાણાદાળને મિલિમિટરના દસમા ભાગ જેટલી યે હલાવી શકતો નથી.

ત્યાર બાદ વારો આવે છે દિવાસળીનો. તમને લાગે છે કે આ તો CAAના કાયદા જેટલું સહેલું છે. એક ગોદો મારીશું ત્યાં તો ધાણાદાળ ડરીને, ગભરાઈને, બે હાથ ઊંચા કરીને રડતી-ફફડતી બહાર નીકળી આવશે, પરંતુ એવું ય થતું નથી. ઉલ્ટું, તમારી દિવાસળી વારંવાર એનું નિશાન ચૂકીને કોઈ બીજી જ દાઢને ઘાયલ કરવા પહોંચી જશે !

આના પછી ત્રીજું સ્ટેજ આવે છે અરીસાનું ! પોતાના મોબાઈલમાં સેલ્ફી લેતી વખતે જેટલા પ્રકારના મોં મચકોડતાં આવડતાં હોય એના કરતાં દસ ગણી રીતે મોં વાંકાચૂકા કર્યા છતાં પેલી ધાણાદાળ દર્શન સુધ્ધાં આપતી નથી ! ભૂલેચૂકે અરીસામાં એનું એડ્રેસ મળી યે જાય તો એક્ઝેક્ટલી એ જગ્યાએ તમારી દિવાસળીની અણી પહોંચતી જ નથી કારણ કે અરીસામાં લેફ્ટનું રાઈટ થઈ જાય છે.

છેવટે તમે એકાદ ટૂથ-પિકને શરણે જાઓ છો. તમને એમ છે કે ટૂથ-પિક તો ભારતીય સેનાના બહાદૂર સિપાહી જેવી જ હશે ને ! એ તો સીધું પેલી ધાણાદાળ ઉપર જ નિશાન તાકશે ને ? તમારી ધારણા સાચી છે. ટૂથ-પિકનું નિશાન તો બરોબર જ હોય છે પણ આટલા સમયમાં પેલી ધાણાદાળ એટલી જીદ્દી, જક્કી, હઠીલી અને મક્કમ બની ગઈ હોય છે કે ટૂથ-પિકની અણી ભીની થઈને, નરમ પડીને વાંકી ન વળી જાય ત્યાં સુધી તે સામી લડત આપતી રહે છે.

છેલ્લે તો તમને એવો વિચાર પણ આવી જાય છે કે યાર, કોઈ ડેન્ટિસ્ટની એપોઈન્ટમેન્ટ લઈ લઈએ ! મુઆ 250-300નું પાણી થાય (અથવા લાળ થાય) પણ આનાથી છૂટકારો તો મળે ?

આખી રાત તમે એ વિચારથી ઊંઘ નથી આવતી કે યાર, આટલી અમથી ધાણાદાળ માટે 300 રૂપિયા ખરચી નાંખવા પડશે ? બસ, ત્યારે જ પેલી ધાણાદાળ રાતના સમયે એની મેળે ઢીલી પડીને તમારા ગળા વાટે ‘સ્વેચ્છાએ’ તમારા પેટમાં સરકી ગઈ હોય છે !

***

-મન્નુ શેખચલ્લી

e-mail : mannu41955@gmail.com

Comments