30 જાન્યુઆરીએ ગાંધી નિર્વાણ દિન હોય છે. દેશના મહાનુભાવો ગાંધીજીને અઘરા અઘરા શબ્દોમાં શ્રધ્ધાંજલિ આપે છે. આપણે જરા અલગ કરીએ...
ગાંધીજીનાં થોડાં ‘શબ્દ-મિમ’ છે. બસ. વાંચીને મનામાં જે તે દૃશ્યની કલ્પના કરી લેવી પડશે...
***
મિમ - 1
500 રૂપિયાની, 1000 રૂપિયાની જુની નોટો અને 2000 રૂપિયાની નવી નોટો ઉપર ગાંધીજીના ફોટા છે.
ગાંધીજી કહી રહ્યા છે : “ત્રીસ-પાંત્રીસ વરસ થઈ ગયાં... કમ સે કમ એકવાર તો મારો ડી.પી. બદલો ?”
***
મિમ – 2
500 અને 1000ની જુની નોટોનાં બંડલોનો મોટો ઢગલો છે. ત્યાં ઊભેલા ગાંધીજી કહે છે :
“ક્યાંક તો અન્યાય થયો છે... રિઝર્વ બેન્કે મારા 3500 કરોડ જુના ફોટા પાછા ખેંચીને માત્ર 550 કરોડ નવા ફોટા બહાર પાડ્યા છે !”
(ગાંધીજીના હાથમાં 2000ની નોટ છે.)
***
મિમ-3
નરેન્દ્ર મોદીનો ફોટો... નીચે લખ્યું છે “3 કરોડ ફોલોઅર્સ.”
રાહુલ ગાંધીનો ફોટો... નીચે લખ્યું છે “1.5 કરોડ ફોલોઅર્સ.”
ગાંધીજીના ફોટાવાળી કરન્સી નોટનો ફોટો.. નીચે લખ્યું છે “130 કરોડ ફોલોઅર્સ !”
***
મિમ – 4
તલવારો, લાકડીઓ, પથરા, કેરોસીનનો કેરબો.. વગેરે સામાનની વચ્ચે ગાંધીજીના ફોટાવાળી કરન્સી નોટો ફેલાયેલી પડી છે..
નીચે મુજબ લખ્યું છે :
“શું જમાનો આવ્યો છે... હિંસા ફેલાવવાની સોપારી પણ અહિંસાના પૂજારીના ફોટા વડે જ અપાય છે !”
***
મિમ-5
બેન કિંગ્સલે, નસીરુદ્દીન શાહ, અન્નુ કપૂર, દર્શન જરીવાલા... વગેરે એકટરોના ગાંધીજીના ગેટ-અપમાં ફોટા.
નીચે 2000ની નોટ ઉપર ગાંધીજીનો ફોટો.
સૌથી નીચે લખ્યું છે : “જોયું ? કિંમત તો ઓરીજીનલની જ હોય છે !”
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment