ગાંધીજીનું પ્રખ્યાત વાક્ય હતું : ‘મારું જીવન એ જ મારો સંદેશ છે’… સુભાષચંદ્ર બોઝનું પ્રખ્યાત વાક્ય હતું ‘તુમ મુઝે ખૂન દો, મેં તુમ્હેં આઝાદી દૂંગા..’ બાલગંગાધર તિલક કહી ગયા ‘સ્વરાજ્ય મારો જન્મસિધ્ધ હક છે’…
આવા મહાન પુરુષોનાં ‘હાઈ-સ્ટાન્ડર્ડ’ વાક્યો વારંવાર આપણે કાને અથડાતાં રહે છે. આપણે અહોભાવથી વાહ વાહ પણ કરતા રહીએ છીએ પરંતુ બિચારા જે મામૂલી લોકોનાં અમુક 'ઓર્ડિનરી સ્ટાન્ડર્ડ’ વાક્યો હોય છે તે તરફ કદી આપણું ધ્યાન કેમ નથી જતું ? દાખલા તરીકે...
***
રેડીમેઈડ ગારમેન્ટની દુકાનવાળાનું સ્ટાન્ડર્ડ વાક્ય હોય છે : “સાહેબ, ધોતાં આવી જશે.”
***
બીજી તરફ, જુતાં-ચંપલની દુકાનવાળાનું સ્ટાન્ડર્ડ વાક્ય હોય છે : “બે-ચાર દિવસ પહેરશો એટલે લૂઝ થઈ જશે.”
***
તમારો હેર-કટિંગ સલૂનવાળો દર વખતે તમને મિરર બતાડતાં કહેતો હશે “એ તો થોડા વાળ વધશે ને, પછી જ સરસ લાગશે !”
***
ફૂટપાથ ઉપર કોઈપણ ચીજ વેચનારો ફેરિયો તમને અચૂક કહેશે “કંઈ પણ થાય તો હું બેઠો છું ને !”
***
મોટી, આકર્ષક, રંગીન, લોભામણી જાહેરખબરો નીચે એક સ્ટાન્ડર્ડ વાક્ય જરૂર હશે : “શરતો લાગુ.”
***
ટીવીમાં મેચ ચાલતી હોય ત્યારે વિરાટ કોહલી, રોહિત શર્મા કે શિખર ધવન આમાંથી કોઈપણ ખેલાડી ચોગ્ગો મારે કે તરત કોમેન્ટેટર બોલી ઉઠશે : “દેખિયે, યહી હૈ એક દિગ્ગજ ખિલાડી કી પહેચાન !”
***
ટીવી સિરિયલોમાં દિવસમાં એક વાર તો જરૂર તમને આ સ્ટાન્ડર્ડ વાક્ય સાંભળવા મળશે : “તુમ સમજતી ક્યું નહીં હો ? યે ઉસ કી ચાલ હૈ !”
***
દરેક પત્ની તેના પતિને એક સ્ટાન્ડર્ડ વાક્ય વારંવાર કહીને કન્વીન્સ કરી ચૂકી હોય છે કે “તમે બહુ ભોળા છો !”
***
અને દરેક પતિ બીજા પતિ આગળ ખાનગીમાં સ્ટાન્ડર્ડ કબૂલાત કરતો હોય છે : “મારી બૈરી બહુ જબરી છે !”
***
દરેક બોયફ્રેન્ડનું દિલ તેની ગર્લફ્રેન્ડના આ સ્ટાન્ડર્ડ વાક્યથી તૂટી જતું હોય છે : “યુ આર જસ્ટ અ ગુડ ફ્રેન્ડ, યાર !”
***
અને છેલ્લા 30 વરસથી ભારતનો એકપણ પુરુષ જે સ્ટાન્ડર્ડ વાક્યને હજી સમજી નથી શક્યો, તે આ છે… “તમે લોકો એક સ્ત્રીને ક્યારેય નહીં સમજી શકો.”
(બોલો, કંઈ સમજાય છે ? હજી કંઈ સમજાય છે?)
***
તમે જોજો, દરેક બસ-કંડક્ટરનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “છૂટ્ટા નથી, છૂટ્ટા આપો.”
દરેક ટ્રાફિક-પોલીસનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “લાયસન્સ બતાડો, પીયુસી બતાડો !”
દરેક સરકારી કર્મચારીનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “અમે કંઈ તમારા નોકર નથી.”
દરેક નેતાનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “એ પ્રશ્ન વિચારણા હેઠળ છે.” દરેક ડોક્ટરનું સ્ટાન્ડર્ડ વાક્ય છે. “વાયરલ ઈન્ફેક્શન છે, મટી જશે.”
દરેક વડીલનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “જુવાનિયાઓ કશું સાંભળતા જ નથી.”
જુવાનિયાઓનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “વડીલો બોલ-બોલ બહુ કરે છે.”
આજકાલ લેખકોનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “વાચકો કશું વાંચતા જ નથી.” અને વાચકોનું સ્ટાન્ડર્ડ વાક્ય છે : “યાર, વાંચવાનો ટાઈમ જ ક્યાં છે ?”
- બોલો, તમે વાંચ્યું ?
***
-મન્નુ શેખચલ્લી
e-mail : mannu41955@gmail.com
Comments
Post a Comment