ક્રિકેટમાં ઝીણા ઝીણા સત્તર જાતના રેકોર્ડ નોંધવામાં આવે છે જેમ કે –
‘વિદેશની' ધરતી ઉપર... ‘ભારત તરફથી રમતાં’... ‘પહેલી ઈનિંગમાં’... ‘ચોથા ક્રમે ઉતરીને’... છેક સુધી ‘નોટ-આઉટ’ રહ્યા હોય... એવી ‘કેપ્ટન ઈનિંગ’ રમવામાં... વિરાટ કોહલી ‘ટોચના પાંચ’ ખેલાડીઓના લિસ્ટમાં સામેલ થઈ ગયો છે ! બોલો. ’
અમને લાગે છે કે રાજકારણમાં પણ આવા અટપટા રેકોર્ડ નોંધાવા જોઈએ ! જેમ કે…
***
પોતે ‘સત્તામાં’ હતા ત્યારે જે યોજનાઓની ‘શરૂઆત’ કરી હોય... ‘તે જ’ યોજનાઓનો વિરોધ... ‘વિરોધ પક્ષ’માં આવ્યા પછી કરવામાં... ‘કોંગ્રેસ’નો જે રેકોર્ડ છે… તેની સરખામણીમાં’ ...
...પોતે ‘વિરોધપક્ષ’માં હતા ત્યારે જે યોજનાઓનો ‘વિરોધ’ કરતા હતા તેની જ ‘શરૂઆત’ કરવામાં ‘ભાજપ’નો રેકોર્ડ…
....‘પોતાના’ શાસનકાળના ‘શરૂઆતનાં’ પાંચ વરસ કરતાં કોંગ્રેસી શાસનકાળના ‘અંતિમ’ પાંચ વરસ કરતાં ‘ઓછો’ હોવાના ‘દાવા’નું પ્રમાણ છેલ્લા ‘છ મહિનામાં’ ૨૦ ટકા ‘વધી ગયું’ હોવાનો ‘નવો’ રેકોર્ડ છે…
***
હાંફી ગયા ને ?.... તો આ સાંભળો…
‘૨૦૦૨નાં ગુજરાત રમખાણો’ની ચર્ચા વખતે... 1984નાં 'શીખવિરોધી રમખાણો’ની ચર્ચા... ‘ઈલેક્ટ્રોનિક મિડિયા’માં ‘ટાળવામાં આવી હોય’...
...તેવી ‘UPA કાળમાં’ બનેલી ઘટનાઓની ‘સંખ્યા’ની સરખામણીમાં ‘NDA કાળમાં’ એ જ બે રમખાણોની ‘સરખામણી કરતા’ ‘સોશિયલ મિડિયાના’ મેસેજોની ‘સંખ્યા’...
...૨૧.૫ ગણી ‘વધી ગઈ’ હોવાના ‘દાવા’નો ‘રદિયો ' આપવા માટે ‘ફેક-ન્યુઝ’ શોધી કાઢવાના ‘પ્રયાસ’ કરતી ‘સંસ્થાઓની સંખ્યામાં’ છેલ્લા પાંચ વરસમાં 131 ટકાનો ‘વધારો’ થયો છે ! બોલો.
***
શું થયું ? માથું ભમે છે ?
ચક્કર આવે છે ? તો આ છેલ્લા રેકોર્ડ સાંભળી લો…
***
છેલ્લા 48 દિવસમાં નેતાઓ, ફિલ્મ કલાકારો તથા દેશના વિદ્યાર્થીઓ, બુધ્ધિજીવીઓ અને વિશ્ર્લેષકો દ્વારા ‘CAA’ શબ્દ જેટલી વાર બોલાયો છે...
...તેના પ્રમાણમાં છેલ્લા 148 દિવસમાં ‘મોંઘવારી’ ‘બેરોજગારી’ તથા ‘સામાન્ય માનવી’ જેવા શબ્દો માત્ર 0.17 ટકા જેટલા જ બોલાયા છે. ધન્યવાદ.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment