પરંપરા... પરંપરા... !


અમુક પરંપરાઓ શા માટે સદીઓથી ચાલતી આવે છે. તેની ખુદ આપણને ખબર નથી. આવી પરંપરાઓ શી રીતે શરૂ થતી હોય છે તેનો એક કિસ્સો સાંભળો....

***

એક મઠમાં એક નવા મહાધિપતિ નીમાયા. એક વાર તે મઠમાં વિહાર કરવા નીકળ્યા ત્યારે એમણે જોયું કે મઠના વિશાળ મેદાનમાં એક ઠેકાણે એક બાંકડો છે અને તે બાંકડાની રક્ષા કરવા માટે બે સેવકો હાથમાં ડંડા લઈને ઊભા છે.

મઠાધિપતિએ પૂછ્યું, “તમે અહીં કેમ ઊભા છો ?”

“હુકમ છે !” સેવકોએ કહ્યું. “આ બેઠક ઉપર કોઈ બેસે નહિ, તે જોવાનો અને બેઠકનું રક્ષણ કરવાનો અમને હુકમ છે.”

મઠાધિપતિને થયું, એવું તે શું છે આ બાંકડામાં ? એમણે ધ્યાનથી નીરીક્ષણ કર્યું, શું બાંકડા ઉપર કોઈ લખાણ, કોઈ તકતી, કોઈ તવારિખ છે ?

પરંતુ એવું કશું ક્યાંય દેખાયું નહિ, તેથી એમણે પોતાના અગાઉના મઠાધિપતિને પૂછ્યું કે "બાંકડાની રક્ષામાં બે સેવકો કેમ ઊભા રહે છે ?"

અગાઉના મઠાધિપતિ કહે છે “મને ખબર નથી. આ તો અગાઉથી ચાલ્યું આવે છે.”

હાલના મઠાધિપતિએ અગાઉની અગાઉ જે મઠાધિપતિ હતા એમને ફોન કરીને પૂછ્યું “પેલા મેદાનમાં એક બાંકડાની રક્ષા કરવા માટે બે સેવકો શા માટે ઊભા હોય છે ?”

સિનિયર મઠાધિપતિ કહે છે “મને ય ખબર નથી. આ તો અગાઉથી ચાલી આવતી પરંપરા છે !”

હવે આ ‘પરંપરા’ શું છે એ જાણવાની ઉત્કંઠા જાગી ! મઠાધિપતિએ અગાઉની અગાઉના ય અગાઉના મઠાધિપતિની શોધ ચલાવી.

ખબર પડી કે એ તો કોઈ નાનકડા ગામમાં રહે છે અને 99 વરસના થઈ ગયા છે ! આ મઠાધિપતિ ત્યાં પહોંચ્યા, જઈને પૂછ્યું “મહારાજ, આપણા મઠમાં એક બાંકડો છે. તેના રક્ષણ માટે બે સેવકો વરસોથી શા કારણે ઊભા છે ?”

વયોવૃધ્ધ મહા-સિનિયર મઠાધિપતિ બોલી ઉઠ્યા : “હેં ? એ બાંકડાનો કલર હજી સુકાયો નથી ?”

***

- મન્નુ શેખચલ્લી

Comments