હવે કોઈ ‘વર્લ્ડ ડેમોક્રેસી ઈન્ડેક્સ’ની સંસ્થાએ જાહેર કર્યું છે કે ભારતમાં CAA વિવાદને કારણે તેનું સ્થાન 10 રેન્ક ઘટી ગયું છે.
દર બે-ત્રણ મહિને આવા હેપ્પીનેસ ઈન્ડેક્સ, ટ્રાન્સપરન્સી ઈન્ડેક્સ, ગવર્નન્સ ઈન્ડેક્સ, ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ ઇન્ડેક્સ વગેરે બહાર પડતા રહે છે અને ભારતને નીચલા રેન્ક તરફ ધકેલતા રહે છે.
અમને થયું કે અમુક એવા ઇન્ડેક્સ પણ હોવા જોઈએ જેમાં ભારતને ટોચનું સ્થાન મળે...
***
હિપોક્રસી ઈન્ડેક્સ
કહેવું કંઈ અને કરવું બીજું જ કંઈ... વચનોની લ્હાણી અને પાછલે બારણે કમાણી... ચાવવાના જુદા અને દેખાડવાના જુદા... જમવામાં જગલો અને કૂટવામાં ભગલો...
આ તમામ બાબતોમાં ભારતનો સદીઓથી ઈન્ડેક્સ ઊંચો જ છે !
***
ફ્રોડોક્રસી ઈન્ડેક્સ
આનું બીજું નામ ‘ટોપીબાજી’ ઈન્ડેક્સ છે ! તાજેતરમાં આપણા દેશના ટોપીબાજોએ જે મોટી બેન્કોની મોટી મોટી ટોપીઓ કરી બતાડી છે એ હિસાબે આપણે વર્લ્ડમાં નંબર વન રેન્કિંગનો દાવો કરી શકીએ !
એ ઉપરાંત ચીટ-ફંડ, એક કા તીન, નાઈજિરીયન લોટરી, સુંવાળો સાથ મેમ્બરશીપ અને સાયબર-ચિટિંગમાં તો આપણે ઓલ-ટાઈમ ચેમ્પિયનો છીએ જ !
***
કેકોફોની ઈન્ડેક્સ
‘કેકોફોની’ એટલે નર્યો ઘોંઘાટ ! કલબલાટ ! શોરબકોર ! બૂમાબૂમ !
યાર, વર્લ્ડની કઈ લોકશાહીમાં આટલો ઘોંઘાટ કરવાની છૂટ છે ? એક તરફ આપણી તમામ ટીવી ન્યુઝ ચેનલોને એકસાથે વગાડો (જેની કુલ સંખ્યા 400 જેટલી છે) અને બીજી તરફ માત્ર અર્નબ ગોસ્વામીની ન્યુઝ ચેનલ વગાડો... તો માત્ર અર્નબ ગોસ્વામી એકલા હાથે આપણને નંબર વન રેન્ક ઉપર પહોંચાડી શકે તેમ છે !
***
ઈન્ટેલેક્ચ્યુઅલ ઈન્ડેક્સ
આમાં તો આપણે છેક 2003થી 2024 સુધી ટોપ ઉપર રહી શકીએ ! બીજા દેશના લોકો તો ‘બુધ્ધિ’ વડે ઈનોવેશન્સ કરતા હશે પણ આપણા દેશમાં તો માત્ર અને માત્ર ‘બુધ્ધિ’ વડે લોકો ‘જીવી’ રહ્યા છે !
- ગો ઈસ્ટ ઓર વેસ્ટ, ઈન્ડિયા ઇઝ ધ બેસ્ટ !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment