પ્રિય પોસ્ટ-કાર્ડને સ્મરણાંજલિ !



ગઈકાલે ઘરે એક પોસ્ટ-કાર્ડ આવ્યું. એમાં લખ્યું હતું :

હું વરસો જુનો સ્વજન હોવા છતાં તમે મને ભૂલી ગયા છો. હું હજી હયાત છું. ક્યારેક તો યાદ કરો ?” લિખિતંગ પોસ્ટ-કાર્ડ.

એ જ વાત ઉપર, ચાલો, પોસ્ટ-કાર્ડની સ્મરણાંજલિમાં થોડાં વન-લાઈનર્સ…

***

યંગ જનરેશનને સમજાવવું જરા મુશ્કેલ છે કે પોસ્ટ-કાર્ડ ‘પોસ્ટ'-કાર્ડ હોવા છતાં ‘પોસ્ટ-પેઈડ’ નથી હોતું ! એ તો ‘પ્રિ-પેઈડ’ જ હોય…

***

બીજું, કે ‘પોસ્ટ’-કાર્ડમાં કોઈ ‘પોસ્ટ’ ઓલરેડી લખેલી નથી હોતી. ‘પોસ્ટ’ તો આપણે જ લખવાની હોય છે ! અને પછી ‘પોસ્ટ’ કરવાની હોય છે !

***

‘પોસ્ટ-કાર્ડ’ને ‘પોસ્ટ’ કરો પછી તે ‘પોસ્ટ-મેન’ના હાથમાં પહોંચે છે. જે બિચારો તમારી પોસ્ટ વાંચી શકે એમ છે, છતાં વાંચતો નથી !

***

એક જમાનામાં બિચારા અભણ લોકોને બીજા લોકો ‘પોસ્ટ’ લખી આપતા હતા. અભણ લોકો તેને માત્ર ‘પોસ્ટ’ કરતા હતા.

આજે ભણેલા ગણેલા લોકો જ બીજાની લખેલી પોસ્ટ બીજા બધાને ‘પોસ્ટ’ કરતા રહે છે !

***

એ જમાનામાં પોસ્ટ-કાર્ડના મેસેજમાં શબ્દોની લિમિટ નહોતી. ઉલ્ટું, જો એક સાઈડ કોરી રહી જાય તો તેને ‘અશુભ’ માનતા હતા.

***

એ જમાનામાં અશુભ પોસ્ટ ઉપર લખેલું રહેતું : “કપડાં ઉતારીને વાંચજો”…

- આજે તો અચાનક ‘કપડાં ઉતારેલી’ જ પોસ્ટ આવી ચડે છે !

***

તમે માનશો ? એ જમાનામાં ‘રિપ્લાય પેઈડ’ પોસ્ટ-કાર્ડ આવતાં હતાં !

આજે તો તમે 500 શબ્દો લખેલી ‘પોસ્ટ’ મોકલો તો રિપ્લાયમાં એક ‘ડાચું’ મોકલતાં ય લોકોને જોર આવે છે !

***

અને બોલો… “તારી પોસ્ટ-ઓફિસ ખુલ્લી છે” એ વાક્યના ડબલ-મિનિંગ થતા હતા !

***

- મન્નુ શેખચલ્લી

Comments