વીજળી વેચવાની છે
આખો દિવસ હથેળીઓ ઘસ્યા કરવાથી પેદા થતી વીજળી વેચવાની છે. ઝીરો વોલ્ટના પચાસ બલ્બની સિરીઝ એક કલાક ચાલે છે.
ખાસ નોંધ : વીજળી લેવા આવનારે પોતાનું વાસણ જાતે લાવવાનું રહેશે. મોડેથી ટ્યૂબલાઈટ થાય તેવા ગ્રાહકોએ તસ્દી લેવી નહીં.
***
સળગતા કોલસા ઓનલાઈન
જે રીતે ઘેર બેઠાં ફૂડ ઓર્ડર કરી શકાય છે એ જ રીતે તાપણાં માટે ગરમાગરમ સળગતા લાલચોળ કોલસા મંગાવો. મિનિમમ ઓર્ડર ચાર પ્લેટ.
ખાસ નોંધ : આંગળી વડે ટેમ્પરેચર માપવાની કોશિશ કરવી નહીં. અધવચ્ચે કાળા પડી જતા કોલસા પાછા લેવામાં આવશે નહીં. ડિલીવરી જોઈ તપાસીને લેવી.
***
શબ્દો વડે ગરમાટો
શું શરીરમાં ગરમાટો લાવવા માટે હજી તમે XXX વિડીયો ક્લિપો જુઓ છો ? જુની રીતો ભૂલી જાવ. નવી રીત અપનાવો. ઓવેસી, કેજરીવાલ, મમતા, કન્હૈયાકુમાર વગેરેનાં ગરમાગરમ ભાષણોની ક્લિપો ડાઉનલોડ કરો અને ‘ગરમ’ થઈ જાવ !
ખાસ નોંધ : વધારાની ગરમી જાહેરમાં ‘શેર’ કરવા જતાં પોલીસના ડંડા ખાવા પડે તો અમારી જવાબદારી નથી.
***
મોર્નિંગ વોકમાં રૂપાળો સંગાથ
વહેલી સવારે ચાલવા જવા માટેની સુંદર પ્રેરણા રોજ ઘેરબેઠાં મેળવો. મોર્નિંગ વોકમાં સાથ આપવા માટે સુંદર યુવતીઓ સંગાથી તરીકે મળશે. મેમ્બર થવા માટે માત્ર 100 રૂપિયા ભરીને OTP પાસવર્ડ મેળવો.
ખાસ નોંધ : ઘેરબેઠાં પિક-અપ માટેનો ચાર્જ ફ્રી ! છૂટાછેડાના વકીલ પણ વાજબી દરે ઉપલબ્ધ છે.
***
નશાબંધી વિરોધ ઝુંબેશ
ગુજરાતમાં નશાબંધીને કારણે લાખો ગુજરાતીઓ ઠંડી ભગાડી શકતા નથી. આનો વિરોધ કરવા માટે જાહેર ધરણામાં જોડાઓ... અને બાટલી પીતાં પીતાં સવિનય કાનૂન ભંગ કરો...
ખાસ નોંધ : દરેકે પોતપોતાની બાટલી ઘરેથી લાવવાની રહેશે. સંસ્થા માત્ર સોડા આપશે. આઈસ-ક્યુબની સેવા શિયાળામાં બંધ છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment