દેવ આનંદ: કમ-બેક અને ત્રીજી ઈનિંગ


જરા વિચાર કરો, એક એવો અદાકાર, જે પોતાની 45 વરસની ઉંમરે લગભગ પતી ગયો છે એમ માની લેવાયું હોય..

એક એવો અદાકાર, જેણે પોતાની 47 વરસની ઉંમરે ભલભલા યંગ હીરોને ઝાંખો પાડી દે એવી સ્માર્ટનેસ વડે જબરદસ્ત કમ-બેક કરે...

એક એવો અદાકાર, જે પોતાની સેકન્ડ ઇનિંગમાં, 50 વરસની ઉંમરે તે જમાનાના કહેવાતા ‘સુપરસ્ટાર’ના ધીકતા સુવર્ણકાળમાં એક જ વરસમાં સળંગ છ હિટ ફિલ્મો આપે...

એક એવો અદાકાર, જેણે છેક 88 વરસની ઉંમર લગી માત્ર એક જ વાર ‘બાપા’નો રોલ કર્યો. અને આખી કેરિયરમાં ક્યારેય સપોર્ટિંગ રોલ, કેરેક્ટર રોલ કે નંબર ટુ હીરો તરીકેનો ‘પેરેલલ’ રોલ ના કર્યો હોય...

અને એક એવો અદાકાર, જે પોતાની ‘અદાઓ’થી ફેમસ હતો, પોતાના ‘અભિનય’થી નહીં...

- એટલું જ નહીં, પોતે કોઈ સારો અભિનેતા છે, એવા ભ્રમમાં પણ નહોતો !

યસ, આ બધાનો સરવાળો એટલે સદાબહાર કહેવાતા દેવ સાહેબ ! યાને કે દેવ આનંદ !

અત્યારે આપણને નવાઈ લાગે પણ દેવ આનંદની જબરદસ્ત કમ-બેક મુવી ‘જ્હોની મેરા નામ’ જે 1970માં આવી, તેના માત્ર ત્રણ વરસ પહેલાં 1967માં આવેલી ‘જ્વેલ થિફ’ હિટ હતી ! તો ત્રણ વરસમાં એવું તે શું બન્યું કે દેવ આનંદ ‘પતી ગયેલા’ હીરોમાં ગણાવા લાગ્યો હતો ?

જે હોય તે, પરંતુ 68માં જ્યારે ‘દુનિયા’ આવી ત્યારે દેવ આનંદના જુના ચાહકોને ભારે આઘાત લાગ્યો હતો કે “હાય હાય ! એણે પેલો પોતાના ટ્રેડ-માર્ક જેવો વાળનો ‘ફૂગ્ગો’ કાઢી કેમ નાંખ્યો ?” જોકે ‘દુનિયા’ ઠીક ઠીક ચાલી હતી. એ પછી આવેલી ‘મહલ’ શું હતી ? ખાસ યાદ નથી. હા, એનાં બે ગાયનોને લીધી તે લાગતી હતી સામાજિક ફિલ્મ, પણ નીકળી નબળી થ્રિલર.

છેવટે જ્યારે ‘જ્હોની મેરા નામ’ સુપરહિટ થઈ ગઈ ત્યારે દેવ સાહેબ એટલા બિઝી થઈ ગયા કે 1973માં એમની નવી ધમાકેદાર ઈમેજ સાથે છ-છ ફિલ્મો આવી પહોંચી.(બનારસી બાબુ, છુપા રૂસ્તમ, જોશીલા, શરીફ બદમાશ અને હીરા પન્ના) બાકી હતું તે દેવ સાહેબે એ જમાનાના ઉતાવળીયા ઝટપટ બ્રાન્ડ ડિરેક્ટર બી.આર. ઈશારા સાથે ‘પ્રેમશાસ્ત્ર’ પણ બનાવી નાંખી.

આ થઈ એમની બીજી ઇનિંગની વાત. પરંતુ એ પછી એમની એક ‘ત્રીજી ઈનિંગ’ પણ આવી... પ્રોડ્યુસર અને ડિરેક્ટર તરીકે ! આમાં નિયમ એક જ હતો : “બોલ-બેટ મારાં એટલે કેપ્ટન પણ હું જ ! એ તો સારું હતું કે અંપાયરો બિચારા સમજુ પ્રેક્ષકો હતા.

બાકી, દેવ સાહેબે જે 20 જેટલી ફિલ્મો જાતે બનાવી નાંખી એમાંથી ‘ધંગધડાવાળી’ કહી શકાય તેવી એક જ ફિલ્મ હતી : ‘હરે રામા હરે ક્રિષ્ના’  (જે 1968ની હોલીવૂડ મૂવી ‘સાઈક્ડ-આઉટ’ની મૂળ વાર્તા ઉપરથી બનાવેલી હતી, એટલે) બાકી પોતાની પહેલી ફિલ્મ ‘પ્રેમ પૂજારી’થી માંડીને છેલ્લી ‘ચાર્જશીટ’ (2011) સુધીની તમામ ફિલ્મોમાં ‘જોવા જેવું શું હતું’ તેની ઉપર કોઈ માઈનો લાલ પીએચડી  કરવાની હિંમત ના કરે !

દેવ સાહેબની આ ત્રીજી ઈનિંગમાં નોંધવા જેવી ત્રણ વાતો છે. એક, ‘લશ્કર’ નામની ફિલ્મ તેમણે જાતે ડિરેક્ટ નહોતી કરી. (છતાં ફ્લોપ ગઈ.) બે, ‘પ્યાર કા તરાના’માં પોતે અદાકારી નહોતી કરી. (છતાં ફ્લોપ ગઈ) અને ‘લવ એટ ટાઈમ્સ સ્કેવર’માં એમણે છેક 2003માં નવો પ્રયોગ કર્યો હતો કે અલગ અલગ ચાર સંગીતકારો પાસેથી ગાયનો લીધાં હતાં. (જે ‘ફોર્મ્યુલા’ હજી ચાલે છે.)

***

- મન્નુ શેખચલ્લી

Comments