ત્રીજી લાં...બી જોક !



આળસુ અમથાલાલ ઓટલે બેઠાં બેઠાં બગાસાં ખાતાં હતાં. અમથાલાલની બૈરીએ બહાર આવીને કહ્યું :

“તમને જરાય શરમ આવે છે ?”

“કેમ ?”

“મારા બાપા આપણા આ ઘરનું ભાડું ભરે છે.”

“ખબર છે.”

“મારા કાકા આપણા ઘરનું લાઈટ બિલ ભરે છે.”

“હા. ખબર છે.”

“અને મારા માસા આપણા બધાનાં ટેલિફોનનાં બિલો ભરે છે.”

“ખબર છે ભૈશાબ.”

“આપણાં છોકરાંની નિશાળની ફી અને ભણવાનો તમામ ખર્ચો મારા મામા મોકલે છે.”

“હા. તો ?”

“તો શું ? રોજનું ખાવાનું મારી મોટી બહેનના ઘરેથી આવે છે.”

“એને ટિફીનનો ધંધો છે એટલે.”

“મારી નાની બહેન આપણા ઘરનાં તમામ કપડાં સીવી આપે છે.”

“એ તો સીવણના ક્લાસ ચલાવે છે. એમાં શું ?”

“આપણા ઘરનું તમામ રાચરચીલું મારા મોટા બનેવીએ અપાવ્યું છે.”

“એનો મોટો શો-રૂમ ચાલે છે. શું ફેર પડે છે એને.”

“અને મારા બીજા બનેવીના પેટ્રોલ પંપ ઉપરથી તમે મફતમાં પેટ્રોલ પુરાવો છો.”

“પેટ્રોલમાં ભેળસેળ કરીને એ લાખો કમાયો છે.”

“અરે પિકચર જોવા જવાનું હોય તો પણ મારા નાના મામાના થિયેટરમાં મફત જઈએ છીએ.”

“આમેય એનું થિયેટર ખાલી જતું હોય છે.”

“અરે, પોપકોર્નના પૈસા ય લેતા નથી.”

“જવા દે, પંદર રૂપિયાના પોપકોર્ન એ દોઢસોમાં વેચે છે. એને ક્યાં ફેર પડે છે ?”

“અરે, હદ તો ત્યાં થાય છે કે આપણે માંદા પડીએ તો મારા દાદાના નામની હોસ્પિટલમાં મફત સારવાર મળે છે.”

“તો ?”

“તો હું એમ પૂછું છું તમને જરાય શરમ નથી આવતી ?”

“એમાં શરમ શેની ?” આળસુ અમથાલાલ બોલ્યા “શરમ તો તારા બે ભાઈઓ અને ત્રણ ભાણિયાઓને આવવી જોઈએ ! છેલ્લા પાંચ વરસમાં એમણે પાંચ રૂપિયાની યે મદદ કરી નથી !”

***

- મન્નુ શેખચલ્લી

Comments