ઉત્તરાયણ પછીની ટચૂકડીઓ !


જે લોકો બહુ જોશપૂર્વક ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણ ઉજવે છે એમને થોડી તકલીફો થતી હોય છે. આવી તકલીફોના નિવારણ માટે આવી ટચૂકડી જાxખ પણ હોવી જોઈએ...

***

બેસી ગયેલું ગળું ?

ધાબા ઉપરથી ‘કાઈપો છે... લપેટ... લપેટ...’ એવા ઘાંટા પાડી પાડીને ગળું બેસી ગયું છે ? તો ઈલાજ માટે તાત્કાલિક પધારો. ગળામાં સ્ટેન્ટ નાંખીને બેસી ગયેલું ગળું ‘ઊભું’ કરી નાંખવામાં આવશે.

***

કાળી પડી ગયેલી ત્વચા ?

બબ્બે દહાડા તડકામાં રહેવાને કારણે ચહેરો કાળો પડી ગયો છે ? 'ચૂના-લપેટ બ્યુટિ પાર્લર'ની મુલાકાત લો. ચહેરા ઉપર બેસ્ટ ક્વોલિટી વ્હાઈટની વ્હાઈટ પુટ્ટી લગાડી આપવામાં આવે છે. છ મહિનાની ગેરંટી. પોપડા ઉખડે તો પૈસા પાછા.

***

હાથમાં ગોટલા ?

ઠૂમકા મારી મારીને હાથના બાવડામાં ગોટલા બાઝી ગયા હોય તો અમારી પાસે આવો. અમે ગોટલા કાઢી લઈશું અને ઉનાળામાં તેની કેરીઓ બનાવીને પાછી આપીશું. આજે રોકાણ કરો, કાલે નફો કમાઓ.

***

આંગળીઓમાં ચીરા

કાતિલ દોરીને લીધી આંગળીઓમાં કાપા/ચીરા પડી ગયા હોય તો જરૂર સંપર્ક કરો. અમે એવી જોરદાર પાટાપિંડી કરી આપીશું કે ઓફિસમાં બોસ તથા ઘરમાં પત્ની, તમને કોઈપણ કામ નહીં સોંપે.

***

ગળામાં ચાઈનિઝ દોરી ?

બાહોશ વકીલો દ્વારા કાનૂની સલાહ /સેવા મળશે. જો રસ્તામાં તમારું ગળું ચાઈનિઝ દોરી વડે કાપવાનો પ્રયાસ થયો હોય તો અજાણ્યા / જાણીતા શખ્સો સામે ખૂનના પ્રયાસનો કેસ દાખલ કરી આપીશું. (ખાસ નોંધ : કાનૂની સલાહ માટે જીવતા અને જાતે જ આવવું.)

***

કાનમાં ધાક ?

બબ્બે દિવસ સ્પીકરોનો ઘોંઘાટ સાંભળીને કાનમાં ધાક પડી ગઈ છે ? કશું સંભળાતું નથી ? તો જલસા કરો ને યાર, જે બે દહાડા પત્નીઓની કચકચથી ‘પ્રુફ’ થયા તેની મઝા માણો...!

***

- મન્નુ શેખચલ્લી

Comments