ઉત્તરાયણની રાજકીય કોમેન્ટ્રી !


અમુક લોકો ધાબા ઉપર ચડીને માઈકમાં ઉત્તરાયણની કોમેન્ટ્રી આપતા હોય છે !

આજકાલ જે રાજકીય હાલત છે એ જોતાં તમને અમે પોલિટીકલ કોમેન્ટ્રી સંભળાવી રહ્યા છીએ ! જુઓ...

***

પેલી તરફ કાશ્મીરનું ગૂંચવાયેલું કોકડું ઉકલી રહ્યું છે...

***

પરંતુ આ બાજુ CAA અને NRCનાં નવાં ગૂંચવાયેલાં કોકડાં બહાર આવી ગયાં છે...

***

JNUના ધાબા ઉપર દિપીકા જરાક કાંકરીચાળો કરીને જતી રહી એ પછી ત્યાં અંદરોઅંદર નળિયાંમારો ફાટી નીકળ્યો છે...

***

સોનિયાજીની ફિરકી પકડવાની મમતાજીએ ચોખ્ખી ના પાડી દીધી છે...

***

સોનિયાજી પોતાના ધાબા ઉપર બીજા 18 પતંગબાજોને ઉંધિયું ખાવા બોલાવે છે... પણ અડધાને એમાં રસ નથી...

***

CAAની વિરુધ્ધ દિશામાં ખાસ્સો પવન હોવા છતાં રાહુલ ગાંધીની પતંગ ખાસ ચગતી નથી...

***

પ્રિયંકા ગાંધી કકળાટ કરે છે કે હું છૂટ અપાવવા ગઈ હતી ત્યાં મને કોઈએ ધક્કો માર્યો...

***

ફિલ્મી કલાકારોની પતંગો લોટણિયા બનીને બુધ્ધિજીવીઓના ધાબાં તરફ લોટવા માંડી છે...

***

બીજી તરફ બુધ્ધિજીવીઓ પોતાની ફીરકીઓ સાચવવાને બદલે ભાજપની દોરીઓમાં દાંત વડે ‘ઘીસી’ પાડવામાં મશગૂલ છે...

***

પતંગ લૂંટનારા ઝંડાધારીઓ પોતાના ડંડા ઉપર કેમેરા લગાડીને તમાશાનો વિડીયો ઉતારવામાં મસ્ત છે...

***

અમિત શાહ કહે છે કે કોઈ દોરીમાં કોઈ ગૂંચ પડી જ નથી...

***

અમિત શાહ એમ પણ કહે છે કે કોઈને ગૂંચ ઉકેલવામાં રસ જ નથી...

***

છતાં બધા બૂમો પાડી રહ્યા છે : “કાઈપો.... છે... ચલ, લપેટ ! લપેટ !”

***

 - મન્નુ શેખચલ્લી

Comments