આજે ભલે સલીમ-જાવેદ ક્રેડિટ લેતા હોય કે ’૭૦ના દાયકામાં ‘એંગ્રી યંગ મેન’ હીરોને અમે જન્મ આપ્યો, આજે ભલે બચ્ચન સાહેબ દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવે ત્યારે દુનિયા એમને ‘મહાનાયક’ કહીને બિરદાવે, પણ બોસ આપણા જ ઘરની પડોશમાં રહેતો હોય એવો ભોળિયો અને બબૂચક લાગે એવો હીરો યાને કે ‘મીનીનાયક’નું સર્જન કોણે કર્યું ? કોઈ કહેશો ?
અમોલ પાલેકરનું ઓર્ડિનરી ડાચું , એની પાતળી સૂતળી જેવી મૂછો, એની કોન્ફીડન્સ વિનાની બાઘાની જેમ ચમકતી આંખો, એની કશીયે સ્ટાઈલ વિનાની ચાલ, આખી બાંયનું ખોસ્યા વિનાનું શર્ટ અને શીખાઉ દરજીએ સીવ્યું હોય એવું પેન્ટ.. બાકી રહ્યું તે ઢાલગરવાડની ફૂટપાથ ઉપરથી ખરીદી હોય એવી સસ્તી ચંપલ... આ ભાઈ 'હીરો' શી રીતે ગયા
બની ગયા ?
જસ્ટ વિચારો કે જ્યાં 1972 પછી અમિતાભ બચ્ચનનો ધગધગતો સૂરજ તપતો હોય, બીજી બાજુ ’અંદાજ’ના જિન્દગી એક સફર હૈ સુહાના... જેવા ગાયન વડે રાજેશ ખન્ના જેવા સુપરસ્ટારની છટામાં સોનાનો ઢોળ ચડી ગયો હોય, ત્રીજી બાજુ દેવઆનંદનો ‘જ્હોની મેરા નામ’ પછીનો જબરદસ્ત કમ-બેક ચાલુ થયો હોય, ચોથી બાજુ ધર્મેન્દ્ર, ફિરોઝ ખાન, સુનીલ દત્ત અને વિનોદ ખન્ના જેવા ‘મેચો-મેન’ની આણ વરતાવા માંડી હોય (અરે, શત્રુઘ્ન સિંહા જેવો ઘોંઘાટિયો એક્ટર પણ બરછટ ચહેરા સાથે હીરો બનીને ફરતો હોય) એવા ટાઈમમાં અમોલ પાલેકર નામના લબૂકીયા પતંગ જેવા હીરોને પબ્લિકે કયા હિસાબે સ્વીકારી લીધો હશે ?
આજે આયુષ્યમાન ખુરાના પણ ‘બોય નેકસ્ટ ડોર’ જેવા રોલ કરે છે ખરો, છતાં ભઈલું હેન્ડસમ તો છે ને ? આપણા અમોલભ’ઈને તો પહેલી બે ફિલ્મોમાં હીરોઈન પણ વિદ્યાસિંહા મળી, જે ઓલરેડી બે બાળકોની મમ્મી જેવી લાગતી હતી !
છતાં અમોલભ’ઈ ચાલી ગયા. ‘ગોલમાલ’માં એમણે કરેલી સરળ સિમ્પલ કોમેડી આજે ક્લાસિક ગણાય છે. નેશનલ સ્કુલ ઓફ ડ્રામામાં ‘સટલ્ટી ઈન કોમેડી’ (હાસ્ય અભિયનમાં નજાકત) એવા ટોપિકના લેકચરમાં ઉદાહરણ તરીકે અમોલ પાલેકરનો ‘ગોલમાલ’નો અભિનય બતાડવામાં આવે છે.
વળી એવું પણ નહોતું કે અમોલ બિચારો હતો જ બાઘો એટલે બાઘાના રોલ મળતા હતા. (અનિલ ધવન અને તુષાર કપૂરનું એવું ખરું) કારણ કે 1977માં આવેલી ‘ભૂમિકા’માં એણે મહા-ખડૂસ, ક્રુર અને ઘાતકી હસબન્ડનો રોલ બખુબી ભજવી બતાડેલો.
હા, ધંધાદારી આવડતો અમોલભાઈમાં કદાચ ઓછી હશે એટલે બિલકુલ એને લાયક રોલ હોય એવી ફિલ્મો અનિલ કપૂર (ચમેલી કી શાદી) અમિતાભ બચ્ચન (મંઝિલ), જીતેન્દ્ર (પ્રિયતમા) જેવા સ્ટાર લઈ ગયા. એ પણ અમોલ પાલેકરને લોન્ચ કરનાર ડિરેક્ટર બાસુ ચેટરજીની પાસે થી !
બિઝનેસમેન તરીકે જીતેન્દ્ર વધારે ચાલાક નીકળ્યો. તેણે ગુલઝાર સાહેબને પકડીને પોતાના ખર્ચે ‘બોય નેકસ્ટ ડોર’ રોલવાળી ત્રણ ફિલ્મો બનાવડાવી. ‘પરિચય’ ‘કિનારા’ અને ‘ખૂશ્બુ’.
આ બાજુ ‘નરમ ગરમ’ (1981) પછી અમોલભાઈ નરમ પડતા ગયા અને ‘રંગ બિરંગી’ (1983) સુધીમાં એમના રંગ બદલાઈ ગયા. અર્થાત્ એકટરમાંથી તે ડિરેક્ટર બની ગયા. 1985માં ‘અનકહી’ નામની અઘરી ફિલ્મ બનાવી. 1990માં ‘થોડા સા રૂમાની હો જાયે’ નામની ‘ગંભીર કોમેડી’ બનાવી, 2005માં ‘પહેલી’ બનાવી (જે છેલ્લી નહોતી) અને છેલ્લી, 2011માં મરાઠીમાં ‘ધૂસર’ નામની એવોર્ડ વિજેતા ફિલ્મ બનાવી.
ટીવીમાં 1987માં જે ‘કચ્ચી ધૂપ’ સિરિયલ બનાવી હતી એમાં ઉર્મિલા માંતોડકર બાળ-કલાકાર હતી. આજે કોઈ પ્રોડક્ટની જાહેરખબરમાં અમોલ પાલેકર પોતાની પત્નીની સાડી ‘ગુપ્તાજી કી દુકાન’માંથી લાવવાને બદલે ઓનલાઈન મંગાવવાની વાત કરતા દેખાય ત્યારે જરા અજુકતું લાગે છે.
બાકી, રહી રહીને એક સવાલ તો ખટક્યા જ કરે છે કે ફિલ્મોમાં હવે કોઈ ઓર્ડિનરી ‘મીની-નાયક’ કેમ જોવા નથી મળતો ?
***
- મન્નુ શેખચલ્લી
I think, Urmila Motondkar was not child artist in Kachchi Dhoop. It was Shalmalee Palekar (Amol Palekar's own daughter), Purnima Patwardhan and some other artists.
ReplyDeleteSorry if I am wrong.
As always, your articles are very nice!
Thank you.