લો બોલો ! સુપ્રીમ કોર્ટે કહી દીધું કે ઈન્ટરનેટ તો આપણો જન્મસિધ્ધ અધિકાર છે !
અમને લાગે છે કે આની બહુ દુરગામી અસરો થવાની છે....
***
દેશની તમામ માતાઓએ હવે સમજી લેવાની જરૂર છે કે બાળકને ખવડાવતી વખતે એના હાથમાં મોબાઈલ પકડાવવો જ પડશે !
- જો મોબાઈલ છીનવી લીધો, તો એ જન્મસિધ્ધ અધિકારને છીનવ્યા બરાબર ગણાશે !
***
સતત મોબાઈલમાં ચોંટ્યા રહેવાને કારણે જો મા-બાપ બાળકને ઠપકો આપે અને બાળક રીસાઈને ઘર છોડીને ચાલ્યું જાય...
- તો મા-બાપ ઉપર કેસ થશે !
***
અરે, કાલે ઊઠીને એવું પણ થશે કે બાળક જન્મતાં પહેલાં જ અંદરથી માગણી કરશે કે જન્મતાંની સાથે એનો ફેસબુક એકાઉન્ટ રેડી હોવો જોઈએ !
- અને એના જન્મની ઘટનાનું ફેસબુકમાં લાઈવ-પ્રસારણ થવું જોઈશે ! કારણ કે એ તો એનો ‘જન્મસિધ્ધ’ હક્ક છે !
***
શાળા-કોલેજોમાં ચાલુ ક્લાસે જો છોકરા-છોકરીઓ ઈન્ટરનેટના ઉપયોગ દ્વારા ‘બહારની દુનિયા’ સાથે સંપર્કમાં રહેવા માગે તો તેમને રોકી શકાશે નહીં !
- છતાં જો, મોબાઈલ જપ્ત કરાશે તો તે ‘જન્મસિધ્ધ’ અધિકારની ‘હત્યા’ ગણાશે !
***
અરે, હવે તો જેલના કેદીઓને પણ મોબાઈલ વાપરવાની છૂટ આપવી પડશે... સોરી, છૂટ શેની ?
હવે તો એમને ‘અધિકાર’ છે ! રાઈટ ?
***
ભવિષ્યમાં એવું પણ બનશે કે...
- ઈન્ટરનેટમાં ફેલાયેલી ઉશ્કેરણીનેલીધે રમખાણો ફાટી નીકળશે...
- એ રમખાણોનાં વિડીયો જોઈને વધુ રમખાણો ફાટી નીકળશે...
- નવાં રમખાણોના નવા વિડીયો જોઈને વધુ નવા રમખાણો ફાટી નીકળશે...
- છેવટે તપાસમાં બહાર આવશે કે આ બધાનું મૂળ તો પેલું નિર્દોષ ‘ઈન્ટરનેટ’ હતું !...
- ત્યારે સૌને નિર્દોષ છોડી મુકવામાં આવશે !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment