એવું કેવું? ...હેં ?


આજકાલ અમુક ઘટનાઓ અને સમાચારો એવા આવી રહ્યા છે કે યાર, સમજાતું જ નથી કે આવું કેવું ?.... હેં ?

***

ઈરાનમાં જે લશ્કરી વડા સુલેમાની અમેરિકન ડ્રોન વિમાનના હૂમલામાં શહીદ થઈ ગયા એ જ સુલેમાનીને શ્રધ્ધાંજલિ આપીને અમેરિકા સામે બદલો લેવા ભેગા થયેલા લોકોમાંથી 57 જણા મામૂલી ‘ધક્કામુક્કીમાં’ જ કચડાઈ મર્યા !

- એવું કેવું ? .... હેં ?

***

જે દિપિકા પદૂકોણ પોતાની ફિલ્મ ‘પદ્માવત’ના વિરોધમાં થયેલી તોડફોડ વખતે કોઈ એકની પણ ખબર કાઢવા નહોતી ગઈ એ જ દિપીકા JNU હોસ્ટેલના તોફાનોમાં ઘાયલ થયેલાંની ખબર પૂછવા ‘છપાક’ કરતી દોડી ગઈ !

- એવું કેવું ?... હેં ?

***

જે દેશમાં ‘મુસલમાનો સલામત નથી’ એવું મુસલમાનો પોતે કહી રહ્યા છે એ જ દેશને છોડીને પોતાના દેશમાં જવા માટે લાખો બાંગ્લાદેશી મુસલમાનો તૈયાર નથી !

- એવું કેવું ?... હેં ?

***

હૈદરાબાદ બળાત્કાર કેસમાં માત્ર નવમા દિવસે ગુનેગારોને એન્કાઉન્ટરમાં ઠાર કરવામાં આવ્યા તો એ પોલીસ અધિકારીને ‘હીરો’ બનાવી દેવામાં આવ્યા અને દિલ્હીના નિર્ભયા બળાત્કાર કેસમાં સાત સાત વરસની ‘મહેનત’ કર્યા પછી ફાંસીની સજા અપાઈ, તો એ જજ સાહેબોના ફોટા ય સોશિયલ મિડિયામાં દખાતા નથી !

- એવું કેવું ? .... હેં ?

***

જે આસામ રાજ્યમાં બાંગ્લાદેશી ઘૂસણખોરોની સૌથી મોટી સમસ્યા છે ત્યાં હિંસા અટકી ગઈ છે અને દિલ્હી રાજ્યમાં જ્યાં ચૂંટણી થવાની છે ત્યાંની ‘કોલેજની એક હોસ્ટેલમાં’ હિંસા ભડકી ઉઠી છે ! બોલો.

- એવું કેવું ?... હેં ?

***

અને આ તો સ્કુલના એક છોકરાએ પૂછાવ્યું છે કે ખેડૂતોનો પાક ફેલ જાય તો સરકાર વળતર આપે છે પણ અમે પરીક્ષામાં ફેલ થઈએ તો કેમ કંઈ વળતર મળતું નથી ?

- બોલો, એવું કેવું ? ... હેં ?

***

- મન્નુ શેખચલ્લી

Comments