નામ બડે ઔર દર્શન ખોટે... આ કહેવત 2019ની ફિલ્મો માટે બિલકુલ પરફેક્ટ રીતે બંધબેસતી નીકળી. અગાઉના વરસોમાં તો આવી ફિલ્મો પ્રેક્ષકોના ખિસ્સામાંથી કરોડો રૂપિયા ખેંચી ગઈ હતી પરંતુ આ વરસે, છેક આટલાં વરસે દર્શકો ‘દર્શન’થી દૂર રહ્યા... (જો તમે દર્શન ના કર્યા હોય તો પણ આ ‘મહિમાગાન’ વાંચવું ગમશે.)
***
દબંગ-થ્રી
પંચાવન વરસનો દેખાતો સલમાન પચ્ચીસ વરસનો છે એવું માની લેવાનું જેની પાસે ‘વરદાન’ હોય એવા જ પ્રેક્ષકોને પસંદ પડી શકે ! આ ફિલ્મમાંથી રિલીઝ વખતે એક ગાયન ઓલરેડી કાઢી નંખાયું હતું. રિલીઝ પછી વધુ એક ગાયનની બાદબાકી કર્યા છતાં દર્શન કરવા આવનારા દર્શકોનો ‘સરવાળો’ વધ્યો નહીં. કહે છે કે સલમાનની ‘વીર’ નામની ફિલ્મ પણ આટલી જ ખરાબ હતી. એ હિસાબે ‘વીર દબંગવાળો’ એવું નામ પાડીને એનું ગુજરાતી ડબિંગ કરવા જેવું છે !
***
પાનીપત
સંજય દત્તને તમે અહેમદ શાહ અબ્દાલી માની શકો. ક્રિતિ સેનને પાર્વતી બાઈ માની લો. મિલિન્દ ગુણાજીને દત્તાજી શિંદે માની લેવાય પરંતુ અર્જુન કપૂરને પાણીપતની ત્રીજી લડાઈના મહાયોધ્ધા સદાશિવરાવ માની લેવામાં બિચારા દર્શકોની ‘શ્રધ્ધા’ ઓછી પડી ! ડિરેક્ટર આશુતોષ ગોવાળીકરે ‘જોધા અકબર’ પછી ‘મોહન-જો-દારો’માં જે ભગો કરી બતાડ્યો હતો ત્યારબાદ એમનું પાણી આ ત્રીજી ફિલ્મમાં તો મપાઈ જ જવાનું હતું ! છેવટે એ જ થયું... 100 કરોડમાં બનેલી ફિલ્મ 50 કરોડનો વકરો લાવતાં લાવતાં હાંફી ગઈ છે.
***
કલંક
કરણ જોહરે અગાઉ પોતાની એક ફિલ્મના નામનું શોર્ટ ફોર્મ ‘કંક’ (KANK = કભી અલવિદા ના કહેના) રાખ્યું ત્યારે એમાં ‘કૈંક’ હશે એમ માનીને જોઈ આવેલા. જ્યારે આમાં તો નામથી જ નક્કી હતું કે બોક્સ ઓફિસ ઉપર ‘કલંક’ સાબિત થવાની છે. ફિલ્મની વાર્તા ભારતની આઝાદી પહેલાંની છે પરંતુ બિચારા પ્રેક્ષકોને બે કલાક અને છેંતાળીસ મિનિટના અંતે જ થોડી ‘આઝાદી’ મળે છે... એ પણ મગજના બે ‘ભાગલા’ પડી જાય પછી જ !
***
ટોટલ ધમાલ
ઓરિજીનલ ‘ધમાલ’ ફિલ્મની સાવ બગડી ગયેલી ઝેરોક્સ કોપી જેવી આ ફિલ્મના નામ આગળ ‘ટોટલ’ શા માટે ઉમેર્યું હશે એનું રહસ્ય ફિલ્મ અડધે પહોંચે ત્યારે જ ખુલી જાય છે કે “આખી ફિલ્મમાં તમને ખરેખર કેટલી વાર હસવું આવશે તેનું ‘ટોટલ’ તમારી આંગળીના વેઢે જ ગણવાનું છે !” ફિલ્મમાં ભલે લખ્યું હોય કે ‘નો એનિમલ્સવ્હેર હાર્મડ’… પણ માનવીઓના દિમાગને ઈજાઓ થઈ એનું શું ?
***
સાહો
‘બાહુબલિ-ટુ’ પછી લગભગ અઢી વરસ રાહ જોવડાવ્યા બાદ પ્રભાસ નામનો સ્ટાર ‘સાહો’માં દર્શન આપવાનો હતો. બિચારા દર્શકો દર્શન કરવા ગયા તો ખરા, પરંતુ પ્રસાદીમાં મેથીપાક (યાને કે બિનજરૂરી મારામારી) સિવાય કશું મળ્યું નહીં ! જોકે બોક્સ-ઓફિસ નામની દાનપેટીમાં 430 કરોડ જમા થઈ ગયા છે.
***
PM નરેન્દ્ર મોદી
આમાં તો ભક્તો પોસ્ટર જોઈને જ સમજી ગયા હતા કે દર્શન તો ઓરીજીનલનાં જ કરાય ! ડુપ્લીકેટમાં ભલેને ‘વિવેક’ હોય !
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment