વેલકમ... NRI ગુજરાતીઓ !


ગુજરાતમાં NRI સિઝન આવી ચૂકી છે.’યૂસી, અમને લોકોને તો ઓન્લી ક્રિસમસ ટાઈમમાં જ જોબમાંથી રજા મલે, એટલે…’ એવા આ ‘જોબ-વફાદાર’ નોકરીયાતો એમ જ સમજે છે કે આપણે બધા તો અહીં ‘નવરા’ જ હોઈએ છીએ !

જે હોય તે, એમની અમુક ખાસ ખાસિયતો છે…

***

આપણા ઘરે આવશે તો આપણા ‘ઘરનું’ પાણી પીવાને બદલે એ લોકો પોતાની ‘મિનરલ વોટર’ની બોટલમાંથી પાણી પીશે..

પણ પછી જ્યારે માણેકચોક જેવી જગ્યાએ જશે ત્યારે ધનાધન પાણીપુરીઓ, ભેળપુરીઓ અને દિલ્હી-ચાટ ખાશે !

***

આપણા કોઈપણ સવાલનો જવાબ આપતાં પહેલાં “ઓવ… અમ્મ… વ્વેએલ…” એવા ઉચ્ચારો કાઢશે !

***

એમના ઇંગ્લીશના ઉચ્ચારો સાંભળીને આપણને અચૂક હિન્દી ફિલ્મોના અંગ્રેજોની યાદ આવી જશે ! અને એમનું હિન્દી સાંભળીને જરૂરથી ડાઉટ પડી જશે કે “યાર, ક્યાંક આ સોનિયાજીનો સગો તો નથી ને?”

***

રસ્તે રઝળતી ગાયો, ગલીમાં સૂતેલા કૂતરાં, ધાબાની પાળીએ બેઠેલો કાગડો… એવી ફાલતુ અજાયબીના ફોટા પાડ્યા કરશે !

***

એ લોકો તમને એવું નહીં પૂછે કે તમે આ કાર કેટલામાં લીધી ? આ સ્માર્ટ ટીવીનો આજકાલ શું ભાવ ચાલે છે ? અહીં મોબાઈલનું ડેટા-પેક કેટલું ફ્રી આપે છે ?

... આવા બધા સવાલો પૂછવાને બદલે “અહીં સારા ડેન્ટિસ્ટો શું રેટ લે છે ?” “અહીં ચશ્મા કેટલામાં મળે ?” “કીડનીનું ઓપરેશન કેટલામાં પડે ?”… એવા સવાલો પૂછશે !

(કારણ કે આ બધું ત્યાં બહુ મોંઘું છે.)

***

આપણે અહીં  સ્વેટરો, મફલરો, જાકિટો અને વુલન કેપ પહેરીને ફરતા હોઈએ ત્યાં આ લોકો ટુંકા બર્મુડા, સ્લીવ-લેસ ટી-શર્ટો અને પગમાં ફ્લોટર્સ પહેરીને ફરતા હશે !

કેમ ? તો કહે, ‘ત્યાં’ તો આટલી ડીગ્રીને ‘વોર્મ’ એટમોસ્ફીયર કહેવાય !

***

અને હા, ‘જસ્ટ ફોર વિઝિટ’ આવેલો એકાદ NRI પોરિયો સામી ઉતરાણે, કમૂરતામાં, ‘અરજન્ટલી' પરણીને ફટાફટ પાછો જતો રહેશે ! સી યુ અગેઈન…

***

- મન્નુ શેખચલ્લી

Comments