ગઈકાલે ફિલ્મોના નેશનલ એવોર્ડઝ અપાઈ ગયા. આ વખતે અમુક ફિલ્મોના નામો એવા છે કે એ જ નામના અન્ય એવોર્ડ્ઝ આપી શકાય ! જેમ કે…
***
શ્રેષ્ઠ ‘અંધાધૂન’ એવોર્ડ
પહેલાં CAB ખરડો અને પછી CAA કાનૂનના નામે જે ગેરસમજ, ઉશ્કેરણી, તોફાનો, પથ્થરબાજી, આગજની અને સામસામી આક્ષેપબાજી થઈ છે એમાં ચિંગારી ચાંપનારથી લઈને પેટ્રોલ છાંટનાર તમામ લોકો સામૂહિક રીતે ‘અંધાધૂન’ એવોર્ડને લાયક છે !
***
શ્રેષ્ઠ ‘બધાઈ હો’ એવોર્ડ
રામજન્મભૂમિનો ચૂકાદો આવ્યો ત્યારે ફટાકડા પણ ના ફોડી શકનાર જે લોકો CAA કાનૂન બન્યાના છેક 10 દિવસ પછી સરકારને અભિનંદન (બધાઈ હો) આપવા માટે ‘જાગ્રત’ થઈ ગયા છે તે સૌને ખરેખર ‘બધાઈ હો…!’ તમને આ એવોર્ડ મળે છે !
***
શ્રેષ્ઠ ‘Son Rise’ એવોર્ડ
નોન-ફિક્શન એટલે કે ડોક્યુમેન્ટરી વિભાગમાં ‘Son Rise’ યાને કે “દિકરા જાગ !” નામની ફિલ્મને એવોર્ડ મળ્યો છે. અમને લાગે છે કે સોનિયાજીએ રાહુલબાબાને ફરી એકવાર ઊંઘમાંથી જગાડીને આ એવોર્ડ આપવો જ જોઈએ !
***
શ્રેષ્ઠ ‘સર્જિકલ સ્ટ્રાઈક’ એવોર્ડ
જોકે આ નામનો એવોર્ડ મોદી સાહેબને વારંવાર એનાયત થતો જ રહ્યો છે પરંતુ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પરિણામો પછી જે ડ્રામા ખેલાયો તે પછી શ્રેષ્ઠ સર્જિકલ સ્ટ્રાઈક એવોર્ડના હકદાર શરદ પવાર જ છે !
***
સામટા 13ને ‘શ્રેષ્ઠ અભિનય’ એવોર્ડ
આ વરસે ‘હેલ્લારો’ ફિલ્મની 13 અભિનેત્રીઓને એકસાથે સ્પેશીયલ જ્યુરી એવોર્ડ એનાયત થયો છે.
CAA કાનૂન પછી દેશના 13 શ્રેષ્ઠ ‘અભિનેતા-નેતા’… જેમણે “દેશના ભાગલા પડી જશે… લઘુમતીઓ ભયમાં આવી ગઈ… બિન-સાંપ્રદાયિક્તા જોખમમાં છે… કાળો દિવસ.. કાળો કેર…” વગેરે જોશભર્યા સંવાદો વડે જે ‘હૃદયદ્રાવક અભિનય’ કરી બતાડ્યો છે તેમને આ એવોર્ડ અપાશે.
જોકે દાવેદારો 101થી વધારે છે પરંતુ શ્રેષ્ઠ 13નું લિસ્ટ વાચકોએ જાતે બનાવી લેવાની છૂટ છે.
***
- મન્નુ શેખચલ્લી
Comments
Post a Comment