સાંભળવામાં આવ્યું છે કે ‘મુન્નાભાઈ 3’ની તૈયારી ચાલી રહી છે. અમને વિચાર આવે છે કે જો આ સિકવલમાં મુન્નાભાઈ ગુજરાતી સાહિત્યમાં ઘૂસ મારે તો ? જુઓ એના સીન...
***
ઓપનિંગ સીન
મુન્નાભાઈનો ડોન એને બોલાવીને સુપારી આપે છે. “મુન્નાભાઈ, તેરે કુ ગુજરાત મેં જાના પડેંગા.”
“કાયકો ? ઉધર તો સાલી દારૂ ભી મુશ્કીલ સે મિલતી હૈ.”
“હાં, મગર અપને કો વહાં એક ગોડાઉન ખાલી કરવાને કા હૈ. પ્રોબ્લેમ યે હૈ કિ વો ગોડાઉન સાહિત્ય કી કિતાબોં સે ભરેલા હૈં.”
“તો ક્યા ? દિયાસીલ્લી ચાંપ દેને કી. કિતાબેં જલ કે રાખ ! સાલા, ઝંઝટ ખતમ.”
“વો બાત નહીં હૈ. સાહિત્ય કી કિતાબોં કો બચાને કે લિયે ગુજરાતી લેખક-કવિ લોગ વહાં ધરના કર કે બૈઠેલે હેં. મેરે કુ વો ગોડાઉન ખાલી કરવા કે ઉસ મેં ચરસ, ગાંજા, દારૂ... યે સબ કા સ્ટોક રખને કા.”
“સમજ ગયા. અબી એક આઈડિયા દૂં ? ગોડાઉન મેં દારૂ કે બદલે ડુંગળી રખ્ખો... આજકાલ ભોત હાઈ ચલ રૈલી હૈ.”
***
પ્રોબ્લેમ સીન
મુન્નાભાઈ મુંબઈથી ગુજરાતમાં આવેલા પુસ્તકોના ગોડાઉનની બહાર જ્યાં સાહિત્યકારો – કવિઓ ધરણા ધરીને બેઠા છે ત્યાં છાપરા ઉપરથી નીચે કૂદીને એન્ટ્રી મારે છે. હવામાં ગોળી ચલાવીને તે એલાન કરે છે :
“અબી ખાલીપીલી શાણપટ્ટી કરને કી બજાય ઈધર સે ચૂપચાપ વટક લો ! વરનાઆઆ...”
પણ ગુજરાતી સાહિત્યકારો ટસના મસ નથી થતા. આ જોઈને મુન્નાભાઈ બીજો દાવ રમે છે. એ ફોન કરીને આખી ટ્રક ભરીને ડુંગળીઓ મંગાવે છે :
“લેખક લોગ ! અપુન એક ડીલ કા ઓફર દે રૈલા હૈ. હર કોઈ રાઈટર-કવિ કો 20-20 કિલ્લો કાંદા ફ્રી મેં દેતા હું. બોલે તો, ઈસ મેં ટોટલ અહિંસા હૈ. બાપુને સત્ય કા પ્રયોગ કિયેલા થા, મૈં કાંદા કા પ્રયોગ કર રૈલા હું...”
આ સાંભળતાં જ સાહિત્યકારો ધરણાં છોડીને ડુંગળીઓ લઈ લે છે. પણ એમ કંઈ ગુજરાતી સાહિત્યકારો સહેલાઈથી માની જાય ? ડુંગળીના સાત પડ હોય પરંતુ સાહિત્યકારનાં સત્તાવીસ પડ હોય !
ગુજરાતી કવિઓ મુન્નાભાઈનો આભાર માનવાને બહાને ‘ડુંગળી’ ઉપર અછાંદસ કવિતાઓ રચીને સંભળાવવા માંડે છે...
‘ડુંગળી સાત-પડાળી,’ ‘ડુંગળી તું તો ગળી’ ‘ગળગળી કરી ગૈ ડું-ગળી’ ‘ગળીથી યે ઉ-જળી તું ડું-ગળી’… એવાં અટપટાં ‘અમૂર્ત’ (એબસ્ટ્રેક્ટ) કાવ્યોનો મૂઢમાર થવાથી મુન્નાભાઈનું માથું ભમવા માંડે છે !
અધૂરામાં પુરું, વિવેચકો મેદાને પડે છે ! એ લોકો ‘કાંદા કવિતામાં રહેલાં સ્ફૂટ અને ઇંગિત પ્રતીકો’ ‘ડુંગળી કાવ્યોની મર્મ-મિમાંસા’ ‘Layers in Onionomy’ એવાં બબ્બે કલાક લાંબા વિવેચનો કરીને મુન્નાભાઈને બેહોશ કરી નાંખે છે.
***
એન્ડિંગ સીન
આખરે મુન્નાભાઈ થાકી-હારીને પાછા જતા રહે છે. ગોડાઉનના દ્વાર ફરી ખુલે છે... કવિઓ અને લેખકો ગોડાઉનમાં પડેલાં, હજી સુધી નહિ વેચાયેલાં પુસ્તકોને ગળે વળગીને હરખનાં આંસુ સારતાં રડી પડે છે.
થોડા સમય પછી સૌ સાહિત્યકારોને છેક હોનાલૂલૂમાં યોજાનારા NRI પ્રાયોજિત એક સાહિત્યપર્વમાં જવા માટે વિમાનની ટિકીટો મળી જાય છે. સૌ હરખે ત્યાં પહોંચી જાય છે. અહીં એક નવા સાહિત્યપ્રેમી સંત-બાપુની નિશ્રામાં પર્વ શરૂ થાય છે....
... પણ એ નવા સંત-બાપુ બીજા કોઈ નહિ, ખુદ ‘મુન્નાભાઈ’
છે ! પર્વ પૂરું થાય ત્યાં લગીમાં ગોડાઉનનો કબજો ડોને લઈ લીધો છે ! ચોપડીઓ બચાવવા કોઈ આવતું નથી.
ધી એન્ડ.
***
- મન્નુ શેખચલ્લી
Hilarious
ReplyDeleteMannubhai na munnabhai
ReplyDelete